વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક તત્વોએ PM મોદીના સંસદીય કાર્યાલયને વેચવા માટે OLX પર મૂકી દીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય કાર્યાલયના ફોટો પાડીને OLX પર મૂકી તેની કિંમત 7.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી. આ જાહેરાત OLX પર આપવામાં આવી હતી, તેમાં ઓફિસની અંદરની જાણકારી, રૂમ, પાર્કિંગની વ્યવસ્થા સહિતની વિગતો દર્શાવવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી હતી. જે બાદ આ જાહેરાતને હટાવવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ કરીને 4 લોકોની અટકાયત કરી છે. પોલીસનું કહેવું છે કે, જે વ્યક્તિએ ફોટો પાડીને OLX પર મૂક્યો હતો, તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે, આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એકની ધરપકડ કરીને પૂછપરછ કરાઈ રહી છે. જણાવી દઈએ કે, PM મોદીએ પોતાના સંસદીય વિસ્તારમાં કાર્યાલય બનાવ્યું છે. જ્યાં લોકો પોતાની સમસ્યાના સમાધાન માટે આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ કાર્યાલય વારાણસીના ભેલૂપુર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં આવતા જવાહરનગર એક્સટેન્શનમાં છે.