
દેશભરમાં વાહનોની અવરજવર માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં ભારતને ટોલ નાકા મુકત બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારે ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમને અંતિમ રૂપ આપવાનો નિર્ણય કરી લીધો છે.
ગુરુવારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી બે વર્ષમાં વાહનોનો ટોલ ફક્ત બેંક ખાતામાંથી જ કાપવામાં આવશે. તેમણે વધુ માહિતી આપતા કહ્યુ કે રશિયન સરકારની મદદથી ટૂંક સમયમાં GPS સિસ્ટમને અંતિમ સ્વરૂપ અપાશે ત્યારબાદ ભારત બે વર્ષમાં સંપૂર્ણ રીતે ટોલ ફ્રી થઈ જશે.
GPS ટેકનોલોજીનો ઉપયોગ કર્યા પછી NHAIની ટોલની આવક પાંચ વર્ષમાં વધીને ૧.૩૪ ટ્રિલિયન થવાની સંભાવના છે. ગઈ કાલે માર્ગ પરિવહન અને રાજમાર્ગો અધ્યક્ષ NHAIની હાજરીમાં, ટોલ કલેકશન માટે GPS ટેકનોલોજીનો ઉપયોગ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. અપેક્ષા છે કે આગામી પાંચ વર્ષમાં સરકારની ટોલ આવક રૂ. ૧,૩૪,૦૦૦ કરોડ થશે.
છેલ્લા એક વર્ષમાં કેન્દ્ર સરકારે દેશના તમામ ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત બનાવ્યો છે. ફાસ્ટેગના ઉપયોગ પછી ઈંધણના વપરાશમાં અને પ્રદૂષણ ઉપર પણ નિયંત્રણ આવ્યું છે. ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન ડિવાઇસના ઉપયોગથી કેશલેસ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન મળ્યું છે.
આ સાથે ટોલ વસુલવામાં પારદર્શિતા પણ જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં FASTag નો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. કેન્દ્ર સરકારના મોટો નિર્ણય અને દેશની જનતાનો જનમત શું રહશે એ આવનારો સમય બતાવશે.

