દક્ષિણ ભારતની મશહૂર અભિનેત્રી વીજે ચિત્રા કામરાજનું નિધન થયું છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે. સાઉથની અભિનેત્રી વીજે ચિત્રાના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. વીજે ચિત્રાની ઉંમર માત્ર 28 વર્ષ હતી. તેણે હાલમાં જ ચેન્નાઈના એક જાણીતા બિઝનેસમેન હેમંત રવિ સાથે સગાઈ કરી હતી.

ચિત્રા કામરાજે ચેન્નાઈના નસરપેટમાં એક હોટલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હોટલના રૂમમાં તેનો મૃતદેહ લટકેલી અવસ્થામાં મળી આવ્યો છે. ચિત્રા પાંડિયન સ્ટોર્સની સિરીયલમાં પોતાની દમદાર ભૂમિકા માટે જાણીતી છે. આ શો આજ કાલ વિજય ટીવી પર પ્રસારિત થાય છે. ચિત્રા આ સીરિયલમાં મુલઈની ભૂમિકા ભજવી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો કહેવાય છે કે ચિત્રા ડિપ્રેશનમાં હતી. હાલ ડિપ્રેશનને જ તેના આ અંતિમ પગલાનું કારણ ગણાવાઈ રહ્યું છે.

ચિત્રા કામરાજ હાલ શુટિંગમાં વ્યસ્ત હતી. તે રાતે લગભગ 2.30 વાગે શુટિંગ પતાવીને હોટલ પાછી ફરી હતી. તે હોટલમાં તેના મંગેતર સાથે રહેતી હતી. પોલીસને આપેલા નિવેદનમાં હેમંતે જણાવ્યું કે હોટલ આવ્યા બાદ ચિત્રાએ કહ્યું કે તે ન્હાવા જઈ રહી છે. પરંતુ ઘણીવાર થઈ છતાં તે બહાર આવી નહતી.

હેમંતે પોતાના નિવેદનમાં જણાવ્યું કે દરવાજો ખટખટાવ્યો છતાં કોઈ પ્રતિક્રિયા આવી નહીં ત્યારે તેણે હોટલના સ્ટાફને જણાવ્યું. ત્યારબાદ ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલવામાં આવ્યો. દરવાજો ખોલતા જ વીજે ચિત્રાનો મૃતદેહ સિલિંગ સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો.