ખેડૂતો દ્વારા આવતી કાલે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે ભારત બંધને લઇને DGP આશીષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. ભારત બંધને પગલે રાજ્યમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરેક જગ્યાએ પોલીસ સ્ટેન્ડબાય હશે. જાહેરમાં 4 થી વધુ લોકોને ભેગા થવાની મનાઇ છે.
ભારત બંધને લઇ રાજ્યના સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવશે, સીનિયર અધિકારીઓ પેટ્રોલિંગ કરશે. બંધના પગલે રાજ્યમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. DGP આશીષ ભાટિયાએ કહ્યુ કે, કલમ 144ના જાહેરનામા અંગે પોલીસ કમિશનર મારફતે તમામ જિલ્લામાં સૂચના આપવામાં આવી રહી છે. DGP આશીષ ભાટિયાએ કહ્યુ કે, કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. કોઇ પણ રોડ-રસ્તા બ્લોક કરવાનું કે અડચણ કરવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક પગલા ભરવામાં આવશે અને ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ APMCને પણ ચુસ્ત બંદોબસ્ત પુરૂ પાડવામાં આવશે.
ભારત બંધને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારની વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. જિલ્લાની બોર્ડર પર નાકા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે અને રાજ્યના નાકા પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ દરમિયાન તમામ પ્રકારના વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવશે.