આપણા દેશમાં વર્ષ ૧૯૫૦માં ૨૬ જાન્યુઆરીના રોજ ભારત સરકાર અધિનિયમ ઍક્ટ (૧૯૩૫)ને હઠાવીને ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું તેની સાથે જ ભારત પૂર્ણ લોકશાહી દેશ બન્યો હતો. જોકે તેના પાયા ૨૬ નવેમ્બર ૧૯૪૯ના દિવસે નખાયા. આ દિવસે બંધારણ સભાએ ઔપચારિક રીતે ભાર સ્વીકૃત કર્યો હતો. આ પ્રક્રિયાને કેન્દ્ર સ્થાને રાખી સમગ્ર દેશમાં એક કાયદાની અંદર રહીને દરેક વ્યક્તિ કામ કરી શકે તેમજ જ દરેક વ્યક્તિને પોતાનો મૌલિક અધિકાર પણ મળેની ગોઠવણ કરવામાં આવી.
દેશના બંધારણમાં વિવિધ અધિકારો અને નિયમોની ચર્ચાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહિલાઓને પણ વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. જેના વિશે સમાજમાં પૂરતી જાગૃતિનો અભાવ દેખાય રહ્યો છે. આ વિષય સંદર્ભે ડિસીઝન ગુજરાતી દ્વારા જાણીતા સામાજીક કાર્યકર નિલમ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે સમાજની દીકરીઓને બંધારણમાં તેમને કેટલા હક મળેલા છે તે અંગે ખબર જ નથી. જો તેમને પોતાનાં હક અંગે જાણકારી પણ છે તો તેઓ હક માટે લડવા હિંમત કરીને આગળ આવતી નથી એ આપણા સમાજની વાસ્તવિકતા છે જે દુર કરવાની ખુબ જ જરૂર છે.
પ્રો.આશા ગોહિલનું કહેવું છે કે હાલના સમયમાં ભારતીય બંધારણમાં જોઈએ તો મહિલા અને પુરુષ બન્નેને એકસમાન અધિકાર મળ્યા છે. પરંતુ વર્તમાન સમયની વાસ્તવિકતા પર નજર નાખીએ તો સમાજમાં મહિલાને એકસમાન અધિકાર ઘણા અંશે મળ્યા હોય એવું લાગે નથી. અમુક સંજોગોમાં તો એવું થાય છે કે ઘણા એવા હક મહિલા પાસે છે, જેની જાણ હોવા છતાં તેનું અમલીકરણ થતું નથી.
બંધારણમાં આપણને મળેલા અધિકારો વિષે વાત કરીએ તો સમાનતાનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા, કાયદા હેઠળ સમાનતા, શોષણ વિરુદ્ધ અધિકાર અસ્પૃશ્યતા, વ્યક્તિગત સ્વતંત્રતા, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધિત અધિકાર, બંધારણીય ઉપચારોનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર જેવા અધિકારો આપવામાં આવ્યા છે.