ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને 27મી નવેમ્બર એટલે કે શુક્રવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે સિરીઝનો પ્રારંભ થસે. આ સાથે વિરાટ કોહલીની ટીમ ઇન્ડિયા નવી જર્સીમાં જોવા મળશે. ભારતીય ટીમ આ પ્રવાસમાં ત્રણ વન-ડે અને ત્રણ ટી20 મેચ રમશે અને ત્યાર બાદ પરંપરાગત ટેસ્ટ સિરીઝ રમનારી છે. આમ શુક્રવારથી શરૂ થઈ રહેલી વન-ડે સિરીઝમાં વિરાટ સેના નવા જ રૂપરંગ સાથેની જર્સીમાં જોવા મળશે.
1983માં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની ત્યારે સફેદ યુનિફોર્મનું ચલણ હતું પરંતુ ત્યાર બાદ 1985માં ઓસ્ટ્રેલિયામાં પરિવર્તન આવ્યું અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટમાં ભારતીય ખેલાડીઓ બ્લૂ જર્સીમાં જોવા મળ્યા હતા. એ વખતે રવિ શાસ્ત્રીએ ઓડી કાર જીતી હતી અને ભારતે સુનીલ ગાવસ્કરની આગેવાનીમાં ટાઇટલ જીત્યું હતું. એ વખતે જર્સીનો કલર વાદળી અને પીળો હતો તથા તેની ઉપર કોઈ કંપની કે દેશ કે ખેલાડીના નામ ન હતા.
1992માં ફરીથી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે જર્સી બદલાઈ અને આ વખતે તેની ઉપર દેશ અને ખેલાડીના નામ આવી ગયા હતા. એ જ વર્ષે યોજાયેલા વન-ડે વર્લ્ડ કપમાં કલર થોડો ડાર્ક બન્યો અને સાથે સાથે કલરફૂલ સ્ટ્રીપ જોવા મળી. તેમાં આગળ દેશ અને પાછળ ખેલાડીનું નામ આવી ગયું.
1994માં જર્સી થોડી વધારે પરિવર્તન સાથે જોવા મળી જેમાં બ્લૂ કરતાં પીળો રંગ વધારે રહ્યો હતો. આ ઉપરાંત ભારતે 1996ના વર્લ્ડ કપ વખતે, 1997માં શ્રીલંકા પ્રવાસ વખતે, 1998માં પણ ફેરફાર કર્યો હતો. 1998માં તો ટીશર્ટ પર તિરંગો પણ આવી ગયો હતો. 1999માં જર્સી પર બીસીસીઆઈનો લોગો લગાવવામાં આવ્યો હતો. હવે એવો શિરસ્તો પડી ગયો છે કે ટીમના કિટ સ્પોન્સર્સ બદલાય તે સાથે જર્સી પણ બદલાઈ જતી હોય છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે તાજેતરમાં જ નવા કીટ સ્પોન્સર્સ સાથે કરાર કર્યો છે અને એ મુજબ ઓવલાઇન ગેમિંગ કંપની એમપીએલ સ્પોર્ટસ હવે ટીમનું નવું સ્પોન્સર્સ છે. હવે આ કંપની દ્વારા ડિઝાઇન કરાયેલી જર્સી ખેલાડીઓ માટે તૈયાર કરાઈ છે. ભારતીય ટીમની જર્સીનો મૂળ કલર નેવી બ્લૂ છે અને તેથી જ તે ઇન્ડિયા બ્લૂ તરીકે ઓળખાય છે. આમ મૂળ કલરમાં કોઈ ફેરફાર કરાતો નથી પરંતુ તેની ડિઝાઇન વારંવાર બદલાતી રહે છે. 1985માં ભારતીય ક્રિકેટર્સ પહેલી વાર રંગીન યુનિફોર્મ સાથે દેખાયા હતા. ત્યારથી અત્યાર સુધીના 35 વર્ષમાં ટીમ ઇન્ડિયાએ 20 વખત જર્સી બદલી છે.
ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નવી જર્સીમાં નજરે પડશેઃ ધવને ફોટો શેર કર્યો
ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના પ્રવાસે લિમિટેડ ઓવર્સની સીરિઝ રમવા તૈયાર છે. વનડે અને ટી-૨૦ સીરિઝમાં ભારતીય ટીમ નવી જર્સી સાથે મેદાન પર જાેવા મળશે. ટીમ ઇન્ડિયાના ઓપનર શિખર ધવને મંગળવારે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આ જાણકારી આપી. તેણે લખ્યું કે, નવી જર્સીમાં નવા મોટિવેશન સાથે જીતવા માટે તૈયાર. રેટ્રો થીમ ટી-શર્ટ સાથે ભારતીય ટીમની નવી જર્સી ૭૦ના દાયકાથી પ્રેરિત છે. લિમિટેડ ઓવર્સના ક્રિકેટમાં ટીમ હવે પારંપરિક સ્કાઈ બ્લૂની જગ્યાએ નેવી બ્લૂ શેડમાં નજર આવશે. જર્સી પર નવા સ્પોન્સર એમપીએલ સ્પોટ્ર્સનો લોગો પણ રહેશે. તે ડિસેમ્બર ૨૦૨૩ સુધી ટીમ ઇન્ડિયાની નવી કિટ સ્પોન્સર રહેશે.
-dailyhunt