વર્તમાન સમયમાં ગુજરાતમાં કોરોનાથી બચવા માસ્ક ફરજીયાત છે એટલું જ નહિ પણ જો માસ્ક ન પહેરો તો રૂપિયા ૧૦૦૦ દંડ વસુલવામાં આવે છે. આપણને જાણીને નવાઈ લાગશે કે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા માસ્ક ન પહેરવા બદલ વસુલાતા દંડની આવક VTVના જણાવ્યા અનુસાર વધારે થઇ ગઈ છે.
હાલમાં અમદાવાદમાં વીકેન્ડ કર્ફ્યું અને સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યું અમલમાં છે. શનિવારે રાજ્યમાં આજ સુધીના સૌથી વધારે કેસ ૧૫૧૫ નોંધાયા છે. કોરોના નિયંત્રણ માટે માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર લોકો પાસેથી દંડ વસુલવાની કામગીરીમાં આજ સુધી દંડ પેટે રૂપિયા ૭૮ કરોડ વસુલવામાં આવ્યાનો રીપોર્ટ છે.
વિતેલા ૫૮ દિવસો દરમિયાન ૨૬ કરોડની આવક દંડ પેટે થઇ છે. અંદાજે કુલ ૨૬ લાખ વ્યક્તિઓ પાસેથી દંડ વસુલાયો છે. દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને એક વર્ષમાં થયેલી કુલ આવક કરતાં પણ માસ્ક વિના ફરતા લોકોને દંડ કરી સરકારને વધારે આવક થઇ છે. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ૨૦૧૯ની ૩૧ ઓક્ટોબર સુધી રૂપિયા ૬૩.૫૦ કરોડ જેટલી આવક થયેલી જોવા મળી છે.
ગુજરાતમાં હાલના સમયમાં માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી દંડ વસુલવાના મામલે પણ સરકારે વારંવાર નિર્ણય બદલ્યા છે. ગુજરાતમાં માસ્ક નહીં પહેરવાનો દંડ પહેલાં ૫૦૦ રૂપિયા હતો પરંતુ તે વધુ લાગતો હોવાથી સરકારે ૨૦૦ રૂપિયા કર્યો હતો. પરંતુ કોરોના સંક્રમણની સંખ્યા વધી જતાં નિયંત્રણ માટે સરકારે ૫૦૦ રૂપિયાનો દંડ વસૂલ કરવાની જોગવાઇ કરી હતી. હાઇકોર્ટના આદેશ પછી રાજ્ય સરકારે દંડની રકમ બમણી કરવાનો નિર્ણય કર્યો હતો.

