આપણો રોશનીનો તહેવાર દિવાળી નજીક આવી રહ્યો છે. ત્યારે લોકોના ઘરમાં પ્રકાશ ફેલાવવા માટે સુરતની દિવ્યાંગ શાળાના ૪૦૦ દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ ડિઝાઈનવાળા દિવડા બનાવવામાં આવ્યા છે. આ બાળકો પણ આત્મનિર્ભર બને એ હેતુથી દિવા તેઓ પાસે બનાવવામાં આવ્યા છે.

     આધુનિક સમયમાં જ્યારે દિવ્યાંગો પણ સામાન્ય વ્યક્તિઓની જેમ જ મહેનત કરીને રોજગારી મેળવી રહ્યા છે ત્યારે સુરતની ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટની શાળાના ૪૦૦ જેટલા દિવ્યાંગ બાળકો દ્વારા વિવિધ દિવા બનાવવામાં આવ્યા છે. માટીમાંથી જુદા-જુદા આકારો આપી દીવડા બનાવ્યા બાદ તેની પર અવનવી ડિઝાઇન કરવામાં આવે છે અને તેના પર કલર કરી દેવામાં આવે છે.

     આ દીવડાઓમાં વિવિધ રંગો પણ આ બાળકોએ પોતાના હાથથી જ ભર્યા છે. બાળકો નાના હોય ત્યારેથી જ તેમને દિવડા બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમ જેમ મોટા થાય તેમ તેમ તેમની આવડતમાં વધારો થાય છે અને ભવિષ્યમાં તેઓ મોટા થઈને કોઈક ને કોઈક આવડતનો ઉપયોગ કરીને પગભર થઈ શકે અને તેઓએ ભીખ માંગવાની નોબત ન આવે. બાળકોએ વિવિધ ડિઝાઇનના ફેન્સી દિવા, ફ્લોરિંગ દિવા,મીણબત્તીના દિવા જેવા અનેક દીવા તૈયાર કર્યા છે. આજે આ દિવ્યાંગ બાળકો માત્ર દિવા કે ફેન્સી મીણબત્તી જ નહીં પરંતુ અનેક એન્ટિક વસ્તુઓ તેમજ પેઈન્ટિંગ પણ બનાવતા થયા છે.

    કોરોના મહામારીના લોકડાઉન પહેલા ટ્રેનિંગના સમયથી જ આ દીવાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. હાલમાં  બાળકોએ ઘરે રહીને તેને રંગવાનું અને મીણ પુરવાનું કામ કર્યું છે. કનુભાઈ ટ્રેનર જણાવે છે કે, બાળકો પોતાના મગજમાં ગ્રંથી બાંધી લે કે તેઓ પણ સ્વરોજગારી મેળવી શકે છે તે માટે ટ્રેનિંગ અપાઈ છે. અમારે ભીખ માંગવાની જરૂર નથી તેવા વિચારોનો તેમનામાં આરોપણ કરતા હોઈએ છીએ.

    બાળકોના ટ્રેનર સોનલનું કેહવું છે કે બાળકોએ ૫૦૦ જેટલા દીવાઓ બનાવ્યા છે અને તેને કંપનીઓએ આપી દેવામાં આવશે. દિવડા દ્વારા થયેલી આવકનો ઉપયોગ આજ બાળકોને માટે કરવામાં આવે છે. જેથી તેઓ પણ અન્ય લોકોની જેમ જ ખુશી ખુશી દિવાળી ઉજવણી કરી શકે છે.