ગુજરાતની સરકારી શાળાઓને આધુનિક બનાવવા માટે વિશ્વ બેંક તથા એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ૭૫૦૦ કરોડનું ફંડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજયની સરકારી સ્કૂલોમાં આધુનિક માળખાકીય સુવિધા ઉભી કરવા માટે આ ફંડનો ઉપયોગ કરી શકાશે.

    સાંજ સમાચારના રીપોર્ટ અનુસાર રાજ્યની ૩૨ હજારમાંથી ૬ હજાર જેટલી સ્કૂલોને આ ફંડનો લાભ મળી શકશે. એશિયન ડેવલપમેન્ટ બેંક તથા એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા મંજૂર કરાયેલુ આ ફંડ હળવી લોન પેટેનું હશે. સ્કૂલોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર વધારવા ઉપરાંત શિક્ષકોની સંખ્યા વધારવામાં વાપરી શકાશે. ખરેખર હાલમાં સરકારી સ્કૂલો અને શિક્ષણ બંનેની હાલત સુધારવાની જરૂર ઉભી થઇ છે.

   ગુજરાત શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૫ હજાર પ્રાથમિક, પાંચ હજાર માઘ્યમિક તથા ઉચ્ચતર માઘ્યમિક સ્કૂલોમાં ૫૩ લાખ બાળકોના શિક્ષણ સુધારણા માટે આ ફંડથી સહાય મળશે. વિશ્વ બેંક તરફથી પણ પ00 મિલિયન ડોલરનું ફંડ મળવાની અપેક્ષા છે. હવે જોવાનું એ રહ્યું કે મળેલા ફંડનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહિ ?