ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા હેઠળ વલસાડ કલેકટર કચેરીએ આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને પાંચ વર્ષમાં આઉટ સોર્સ એજન્સીઓએ ચુકવેલ પગાર, ESIC, EPF અને બોનસની તપાસ કરવા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

    ગુજરાત સરકાર દ્વારા આ બાબતે તપાસ કરવા વારંવાર કરવામાં આવેલા આદેશોને જીલ્લાના અધિકારીઓ ઘોઈને પી જઈ એજન્સીઓને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય એ કર્યો હતો. વિશ્વ એન્ટરપ્રાઇઝ મહેસાણાને એરિયર્સ પેટે સિત્તેર લાખ ચુકવાઈ ગયુ હોવા છતાં એજન્સી દ્વારા કર્મચારીઓને એરિયર્સ હજી સુધી ચુકવવામાં આવ્યા નથી,

    આમ છેલ્લા પાંચ વર્ષથી કર્મચારીઓના પગારમાં આઉટસોર્સ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી હેરાફેરી અંગે જો કલેકટર દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરાય તો તમામ આઉટ સોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ લાભ પાંચમથી કામગીરી બંધ કરી વિરોધ દર્શાવશે, જોકે શાંતિપૂર્વક ચાલી રહેલ આ કાર્યક્રમ દરમિયાન પોલીસે ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયની અટકાયત કરતા કર્મચારીઓમાં આક્રોશ વ્યાપી ગયેલ અને પોલીસ સ્ટેશન ખાતે હલ્લાબોલ કરતા પોલીસે રજનીકાંત ભારતીયને મુક્ત કરવાની ફરજ પડી હતી. હવે આ સરકારીતંત્ર શું નિર્ણય લેશે એ આવનારા સમયમાં ખબર પડશે.