ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે તમામ પાસાંઓની ચર્ચા કરીને શાળાઓ ખોલવાની તૈયારી કરી રહ્યા છે અને ગઈકાલે અમવાદમાં ફરી એકવાર કેમિકલ ફેકટરીમાં આગની મોટી ઘટના બની છે અને ૧૦ લોકોના મોત થયા છે ત્યારે શિક્ષણ બોર્ડ પણ ઊંઘમાથી જાગ્યુ છે. ગુજરાત શિક્ષણ બોર્ડે આજે તમામ DIOને પરિપત્ર કરીને રાજ્યમાં જિલ્લાવાર કેટલી સ્કૂલો ફાયર સેફટી NOC ધરાવે છે અને કેટલી નથી ધરાવતી તેની સંખ્યા જાહેર કરી તાકીદે તમામ સ્કૂલોને NOC લેવડાવવા માટે પ્રક્રિયા કરવા આદેશ કર્યો છે.
બોર્ડના પરિપત્ર મુજબ રાજ્યમાં ૧૨ હજારથી વધુ એટલે કે ૭૫ ટકા માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો પાસે ફાયર સેફટી NOC જ નથી. ગુજરાત શિક્ષણ બોર્ડ પણ આગ લાગે ત્યારે કુવો ખોદવાનું કામ કરતુ હોઈ આજે આગની ઘટના બની ત્યારે બોર્ડને તમામ DIOને પરિપત્ર મોકલાવવાનું યાદ આવ્યુ છે. બોર્ડે તમામ DIOને પરિપત્ર કરીને સૂચના આપી છે કે ઘણી સ્કૂલો પાસે ફાયર સેફટી NOC હાલમાં પણ નથી. જેથી આવી સ્કૂલોને NOC લેવા સૂચના આપવામા આવે અને જે સ્કૂલોની અરજી પ્રક્રિયામાં છે તે માટે ઝડપી મળી રહે તે રીતે સત્તાધિકારી સાથે સંકલન કરી ઝડપી કાર્યવાહી કરવામા આવવાનું કહેવામાં આવ્યું છે.
શિક્ષણ બોર્ડ ગુજરાતના જ પરિપત્ર અને યાદી મુજબ રાજ્યના ૩૪ જિલ્લામાં કુલ મળીને ૧૬૧૮૭ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાંથી ૧૨૨૭૭ સ્કૂલો ફાયર સેફટીનું NOC ધરાવતી નથી. જેમા અમદાવાદમાં ૧૦૦૩ સ્કૂલમાંથી ૫૪૨ સ્કૂલમાં તથા સુરતમાં ૧૪૨૮ માંથી ૮૮૭માં અને વડોદરામાં ૭૮૮માંથી ૭૧૯ સ્કૂલોમાં ફાયર સેફટી NOC નથી. રાજકોટમાંથી તો બોર્ડ હજુ માહિતી જ મેળવી શક્યુ નથી. જ્યારે ૧૨૨૭ સ્કૂલમાંથી માત્ર ૬૭૯ સ્કૂલે જ NOC માટે પ્રક્રિયા કરી છે. અમદાવાદમાં ૫૦ ટકાથી વધુ સહિત રાજ્યમાં ૭૫ ટકાથી વધુ સ્કૂલો પાસે ફાયર સેફ્ટી NOC નથી ત્યારે શું ખરેખર સ્કૂલો પાસે ફાયર સેફ્ટી પણ હશે કે કેમ તે પ્રશ્ન છે.
ઘણા જિલ્લામાં તો એક પણ સ્કૂલ પાસે ફાયર NOC નથી બોર્ડે જાહેર કરેલી માહિતી મુજબ રાજ્યના ઘણા જિલ્લા તો એવા છે કે જ્યાં એક પણ સ્કૂલ પાસે ફાયર સેફટી NOC નથી. આણંદ, ડાંગ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, દાહોદ સહિતના ઘણા જિલ્લામાં એક પણ સ્કૂલમાં નથી. તો અમરેલી , મહેસાણા સહિતના ઘણા જિલ્લામાં નહિવત કહી શકાય તેટલી સ્કૂલ પાસે જ NOC છે. આ મહત્વની બાબત વિષે સરકાર શું નિર્ણય લેશે તે જોવું રહ્યું.