ભારતમાં ડિજિટલ ઈન્ડિયા અભિયાનો વેગ પકડ્યો હોય અને બીજી બાજુ ટેલિકોમ કંપનીઓ ભલે ઈન્ટરનેટની સ્પીડ મામલે મસમોટી વાતો કરતી હોય પણ ભારતની વાસ્તવિકતા કંઇક અલગ છે. સમગ્ર દુનિયાના મુકાબલે ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટ સૌથી સસ્તું છે, પણ હકીકત એ પણ છે કે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત 131મા સ્થાને છે. મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ મામલે પાકિસ્તાન અને નેપાળની હાલત ભારત કરતાં વધારે સારી છે.
Ooklaના નવા રિપોર્ટ પ્રમાણે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડના મામલામાં ભારત 131મા નંબરે અને બ્રોડબેન્ડ ઈન્ટરનેટની સ્પીડના મામલે 70મા નંબરે છે. કંપનીએ આ રિપોર્ટ સપ્ટેમ્બર 2020 માટે જાહેર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કોરિયા, શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાન જેવા દેશોમાં ઈન્ટરનેટની સ્પીડ ભારત કરતાં વધારે સારી છે. Ooklaના રિપોર્ટ પ્રમાણે ભારતમાં મોબાઈલ ઈન્ટરનેટની સરેરાશ સ્પીડ 12.07Mbps છે. જ્યારે આ સ્પીડ વૈશ્વિક સ્તરે 35.26Mbps છે. ડાઉનલોડિંગ જ નહીં, અપલોડિંગ સ્પીડની સરેરાશ પણ ભારતમાં 4.31Mbp છે, જ્યારે આ સ્પીડ વૈશ્વિક સ્તરે 11.22Mbps છે.
Ookla દ્વારા જાહેર કરેલ ચાર્ટમાં નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની રેટિંગ ક્રમશઃ 102, 116 અને 117 છે. આ ત્રણેય દેશોમાં મોબાઈલ ડેટાની સરેરાશ સ્પીડ 17Mbps છે. જ્યારે આ જ ચાર્ટમાં ભારત 131મા સ્થાને છે. ચીનમાં મોબાઈલ ડેટાની સરેરાશ સ્પીડ 113.35Mbps છે. આ લિસ્ટમાં ચીન સમગ્ર દુનિયામાં બીજા નંબરે છે. 121Mbpsની સ્પીડ સાથે દક્ષિણ કોરિયા પહેલાં સ્થાને છે. બ્રોડબેન્ડની સ્પીડમાં ભારત 70મા સ્થાને તો બ્રોડબેન્ડની વાત કરીએ તો સ્પીડના મામલે ભારત 70મા સ્થાને છે. ભારતમાં બ્રોડબેન્ડની સરેરાશ સ્પીડ 46.47Mbps છે. બ્રોડબેન્ડ સ્પીડના મામલે 226.60Mbps સરેરાશ સ્પીડની સાથે સિંગાપુર પહેલા સ્થાને, 210.73Mbps સાથે હોંગકોંગ બીજા સ્થાને અને 193.47Mbpની સાથે રોમાનિયા ત્રીજા સ્થાને છે.
ઉલ્લેખનીય છે કે, 4G થી 5G તરફ આગળ વઘી રહેલા ભારતમાં ડિજિટલ ઈન્ડિયાનું મિશન જોરશોરથી ચાલી રહ્યું છે. સરકાર ડિજિટલાઈઝેશન પર વધારે ભાર મૂકી રહી છે. ઑનલાઈન એજ્યુકેશનથી, ગામડાડિજિટલ લઈને ડિજિટલ પેમેન્ટ સુધી હાલના દિવસોમાં ચર્ચામાં છે. એવામાં મોબાઈલ કે પછી બ્રોડબેન્ડ ડેટા સ્પીડની બાબતમાં ભારતની પીછેહઠ ચિંતાજનક છે.