આજની 25 ઓક્ટોબરની તારીખ ભારતીય લોકતંત્રમાં ઘણી જ મહત્વની છે. 1951માં આ જ દિવસથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હતી, જ્યારે હિમાચલ પ્રદેશના ચિનીમાં પ્રથમ વોટ આપવામાં આવ્યો હતો. આ દિવસે, 1951થી 21 ફેબ્રુઆરી, 1952 સુધી એટલે કે લગભગ ચાર મહિના ચાલેલી આ ચૂંટણી પ્રક્રિયાને સમગ્ર દુનિયાના લોકતાંત્રિક દેશોની કતારમાં ભારતને ઊભું રાખી દીધું હતું. એક મહત્વની હકીકત એ છે કે પ્રથમ લોકસભા ચૂંટણીમાં પ્રતિ મતદાર ખર્ચ આવ્યો હતો, 60 પૈસા, જે 2019ની ચૂંટણીમાં વધીને લગભગ 72 રૂપિયા થઈ ગયો.
ઉલ્લેખનીય છે કે ભારતને આઝાદી 15 ઓગસ્ટ 1947ના રોજ મળી અને 26 જાન્યુઆરી 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યું પરંતુ એ ખૂબ ઓછા લોકોને જ ખબર હશે કે પ્રથમ સામાન્ય ચૂંટણી 1951-52માં કઈ રીતે થઈ હતી અને કઈ રીતે મતદાન થયું હતું. પ્રથમ ચૂંટણીમાં લોકસભાની 497 તથા રાજ્ય વિધાનસભાઓની 3283 સીટો માટે ભારતના 17 કરોડ 32 લાખ 12 હજાર 343 રજિસ્ટર્ડ વોટર હતા. કુલ 68 ફેઝમાં મતદાન થયાના અહેવાલ મળે છે.
દેશમાં આઝાદીના સંઘર્ષના કારણે સામાન્ય જનતામાં કોંગ્રેસનું જ નામ હતું. આ કારણથી કોંગ્રેસે 364 સીટો જીતીને બહુમતી હાંસલ કરી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી 16 સીટો જીતીને બીજી સૌથી મોટી પાર્ટી બની હતી. એ સમયે એક મતવિસ્તારમાં એકથી વધુ સીટો હતી. આ કારણથી 489 સ્થળો માટે 401 મતવિસ્તારોમાં જ ચૂંટણી થઈ. 1960થી આ વ્યવસ્થા ખતમ થઈ ગઈ. એક સીટવાળા 314 મતવિસ્તાર હતા. 86 મતવિસ્તારોમાં બે સીટો અને એક ક્ષેત્રમાં ત્રણ સીટો હતી.
દેશની આ પ્રથમ ચૂંટણીમાં 10.59 કરોડ લોકોએ પોતાના નેતાને ચૂંટીને ઈતિહાસ રચ્યો હતો. તેમાંથી 10.59 કરોડમાં લગભગ 85% અશિક્ષિત હતા. અશિક્ષિત વોટર્સનું ધ્યાન રાખીને પાર્ટીઓ અને ઉમેદવારો માટે ચૂંટણી ચિહ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે દરેક પાર્ટી માટે અલગ બેલેટ બોક્સ હતું, જેના પર ચૂંટણી પ્રતીક હતા. લોખંડની 2.12 કરોડ પેટીઓ બનાવાઈ હતી અને 62 કરોડ મતપત્રક છાપવામાં આવ્યા હતા.
આ ચુંટણીના સુકુમાર સેન મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તેમણે વોટર રજિસ્ટ્રેશનથી લઈને, પાર્ટીઓના ચૂંટણી પ્રતીકોના નિર્ધારણ અને પારદર્શી ચૂંટણી યોજવા માટે યોગ્ય અધિકારીઓની પસંદગીનું કામ કર્યું. બેલેટ બોક્સ અને બેલેટ્સને પોલિંગ બૂથ સુધી પહોંચાડવા ખૂબ મુશ્કેલ બન્યું હતું. મણિપુરના પહાડી વિસ્તારોમાં સ્થાનિક લોકોને ધાબળા અને બંદૂકના લાયસન્સની લાલચ આપીને તેમની પાસેથી ચૂંટણી સામગ્રી પોલિંગ બૂથ્સ સુધી પહોંચાડવામાં મદદ લેવામાં આવી હતી. પણ આ ચૂંટણી પ્રક્રિયા ધીમે ધીમે સુધરી અને આજે આપણે દુનિયાના સૌથી વિશાળ લોકતંત્ર તરીકે દુનિયાને શીખવી રહ્યા છીએ કે ચૂંટણી કઈ રીતે કરાવવી જોઈએ. પરંતુ લોકોનું કહેવું છે કે આજે દેશની ચુંટણીમાં એ હકીકત પણ સ્વીકારવી પડે કે વર્તમાન સમયની ચુંટણીમાં નેતાઓ ઉદેશ્યો, ચૂંટણીના ધારા-ધોરણો, નિયમો, લોકહિતના નિર્ણયો, હેતુઓ, વચનો, ચુંટણી રણનીતિઓ અને પ્રચાર પ્રસાર સુત્રો વગેરે ઘણું બધું બદલાયું હોવાનો અહેસાસ આપણે અનુભવી શકીએ છીએ.