દેશમાં કોરોના વાયરસના વધતા પ્રકોપથી લોકો ભયભીત થઈ ગયા છે. કોરોના વાયરસના કારણે લોકો એકબીજાને મળવાથી ડરી રહ્યા છે. જોકે, ધીમે ધીમે સ્થિતિ સુધરી રહી છે. હજુ પણ લોકો પોતાના ઘરેથી ત્યારે જ બહાર નીકળી રહ્યા છે જ્યારે કોઈ જરૂરી કામ હોય. કોરોનાને લીધે હજુ પણ ઘણાં એવા ડોક્ટરો છે જે દર્દીઓને ચેક કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ત્યારે વાત કરીએ મહારાષ્ટ્રના એક વૃદ્ધ ડોક્ટરની જે ગરીબોની મદદ માટે ખૂબ જ નિ:સ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રહેવાસી 87 વર્ષના હોમિયોપેથિક ડોક્ટર છે. જ્યારથી કોરોના મહામારી શરૂ થઇ છે ત્યારથી લઇ અત્યાર સુધી તેઓ લોકોના ઘરે જઇ તેમની સારવાર કરી રહ્યા છે.

     સૌથી મોટી વાત એ છે કે, 87 વર્ષના ડોક્ટર રોજ ઉઘાડા પગે 10 કિલોમીટર સાઇકલ ચલાવીને ગામ જાય છે અને આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા લોકોના ઘરે જઈને તેમની સારવાર કરે છે. ઉલેખનીય છે કે, પાછલા 60 વર્ષથી તેઓ રોજ આ રીતે સાઇકલ ચલાવીને લોકોના ઘરે જઇ સારવાર કરે છે.

     રામચંદ્ર દાનેકર હોમિયોપેથિક ડોક્ટર છે તેમનું કહેવું છે કે હું લગભગ રોજ ગામની મુલાકાત કરું છું. કોરોના વાયરસ સંક્રમણના ડરથી ડોક્ટર ગરીબ દર્દીઓની સારવાર કરવાથી ડરે છે, પણ મને તેનાથી કોઈ ડર લાગતો નથી. આજકાલના યુવા ડોક્ટરો માત્ર પૈસા કમાવવા માગે છે, પણ ગરીબોની સેવા કરવા માગતા નથી.

    ANIએ ના ટ્વીટ અનુસાર, તેઓ પાછલા 60 વર્ષથી દૂરના ગામોમાં જઈ ગરીબોને દવાઓ આપી રહ્યા છે. Mul, Pombhurna અને Ballarshah તાલુકામાં તેઓ લોકોને દવા આપે છે. તે કહે છે, મારી કામગીરી આજે પણ પહેલા જેવી જ છે. હું પોતે ગરીબોને આ સેવા આપી રહ્યો છું. સરકારે આવા સેવાભાવી ડોક્ટરોને પ્રોત્સાહન આપવું જોઈએ.