વલસાડ જિલ્લાની કપરાડા વિધાનસભાની ખાલી પડેલી ૧૮૧ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ખેંચવાના દિવસ સોમવારે કોઇ પણ ઉમેદવારે ફોર્મ નહિં ખેંચતાં કુલ 4 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. આ ચૂંટણી માટે 4 ઉમેદવારોએ ડમી સહિત 10 ફોર્મ રજૂ કર્યા હતા. જે પૈકી કોઇએ ઉમેદવારી ખેંચી ન હતી. હવે આ ચૂંટણીમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ જ વચ્ચે રહશે.
કપરાડા વિધાનસભાની 3 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે ચિત્ર સાફ થઇ ગયું છે. આ બેઠક ઉપર 4 ઉમેદવાર વચ્ચે સ્પર્ધા થશે. કપરાડાના અગાઉના કોંગ્રેસના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી આ બેઠક પરથી રાજીનામુ આપી ભાજપમાં જોડાઇ ગયા હતા. જેના પગલે ખાલી પડેલી આ બેઠકની પેટા ચૂંટણી માટે 9 ઓક્ટોબરે જાહેરનામુ બહાર પડ્યા બાદ ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠા, અપક્ષ ઉમેદવાર પ્રકાશ પટેલ અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના જયેન્દ્ર ગાંવિત સહિત મુખ્ય 4 ઉમેદવારો હાલમાં લડાયક મુડમાં જોવા મળી રહ્યા છે. જેની ચકાસણી 17 ઓક્ટોબરે હાથ ધરાયા બાદ ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને અપક્ષ ઉમેદવારના ફોર્મ માન્ય રખાયા હતા. 19 ઓક્ટોબરે ઉમેદવારી પરત ખેંચવાની મુદ્દત હતી.
આમ મુખ્ય ઉમેદવાર તરીકે કોઇએ પણ ફોર્મ પરત ન ખેંચતા 4 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં રહ્યા છે. જેમાં ભાજપના જીતુભાઇ ચૌધરી અને ભાજપમાંથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા કોંગી ઉમેદવાર બાબુભાઇ વરઠા વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ થશે એમ લાગી રહ્યું છે હવે પ્રજા વિજયી કળશ કોના મસ્તકે ધરશે એનો નિર્ણય તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે.