ક્રિસ ગેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની જીત પછી પૂછવામાં આવ્યું કે, શું તમે નર્વસ હતા? તેણે પોતાની લાર્જર ધેન લાઈફ ઇમેજ અનુસાર જવાબ આપતા કહ્યું, “યુનિવર્સ બોસ બેટિંગ કરતી વખતે નર્વસ કઈ રીતે હોય શકે? હું પહેલી મેચમાં સારી ઇનિંગ્સ રમ્યો. મને હવે લાગે છે કે હું પોતાને 2021 માટે અવેલેબલ કરી શકું છું.” બેંગલોર સામે 172 રનનો પીછો કરતા પંજાબે 20મી ઓવરના છેલ્લા બોલે ટાર્ગેટ ચેઝ કરીને મેચ જીતી. તેમની આ સીઝનની માત્ર બીજી જીત અને અગાઉ પણ તેઓ બેંગલોર સામે જ જીત્યા હતા.
ગેલને પંજાબે શરૂઆતથી બેન્ચ પર બેસાડી રાખ્યો હતો. 2 મેચ પહેલા કોચ અનિલ કુંબલે કહ્યું હતું, “ગેલ આજની મેચ રમવાનો હતો, પરંતુ તબિયત ખરાબ હોવાથી રમી શક્યો નહીં.” ચલો તેણે 2 મેચ ખરાબ તબિયતને કારણે મિસ કરી પરંતુ તે પહેલા તેને ટીમમાં સ્થાન કેમ ન મળ્યું? જ્યારે કરો યા મરોની સ્થિતિમાં પહોંચ્યા ત્યારે ગેલ કેમ યાદ આવ્યો? ગેલે ગઈકાલે 45 બોલની ઇનિંગ્સ દરમિયાન 1 ફોર અને 5 સિક્સની મદદથી 53 રન કર્યા. તે ટીમને 1 રનની જરૂર હતી, ત્યારે રનઆઉટ થયો હતો.
મેચ પછી પંજાબના કેપ્ટન રાહુલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગેલની તબિયત સારી નહોતી. 41 વર્ષે પણ તેનામાં રન કરવાની એવી જ ભૂખ છે. ગેલ પહેલી ગેમથી જ રમવા માંગતો હતો. તેને બહાર બેસાડી રાખવાનો નિર્ણય અઘરો હતો. સિંહને ભૂખ્યો રાખવો જરૂરી છે. એ કોઈપણ ક્રમે રમે ખતરનાક જ છે. પંજાબના 8 મેચમાં 4 પોઈન્ટ્સ છે. બાકીની 6માંથી 5 મેચ જીતે તો તે 14 પોઈન્ટ્સ સાથે નેટ રનરેટના આધારે ક્વોલિફાય કરી શકે છે. જ્યારે બધી મેચ જીતવા પર ચોક્કસ ક્વોલિફાય થઇ જશે.