ધરમપુર તાલુકામાં ડાંગરનો પાક તૈયાર થતા કેટલાક ખેડૂતોએ તેને કાપવાની શરૂઆત કરી છે, જ્યારે તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામોમાં વરસાદ આધારિત ડાંગરની ખેતી કરતા ઘણા ખેડૂતો આ વખતે વરસાદ મોડો આવતા રોપણી મોડી થવાના કારણે ધારેલું ઉત્પાદન મળી શક્યું ન હોવાનું જણાવી રહ્યા છે.

     ધરમપુર તાલુકામાં અમુક ગામોમાં ચાલુ વર્ષે વરસાદ પાછળ ઠેલાતા ખેડૂતોને ડાંગરની રોપણીમાં ઘણા દિવસ વિલંબ થયો હતો. જ્યારે પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ સમયસર ધરું અને રોપણી કરી દેતા અનેક ખેતરોમાં ડાંગરનો પાક તૈયાર થઈ લહેરાય રહ્યો છે, જેમાં અમુક ખેડૂતોએ તો ડાંગરનો તૈયાર પાક કાપવાની પણ શરૂઆત કરી દીધી છે.

     આમ જોઈએ તો ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદ બાદ ખેડૂતોએ ધરું ઉગાડ્યા બાદ સમયસર 20-25 દિવસમાં વરસાદમાં ખેતરો પાણીથી ભરાય એટલે રોપણી કરી દેતા હોય છે. પરંતુ આ વખતે ધરું રોપવાલાયક થયાને ખાસ્સો સમય વિતવા છતાં વરસાદનું આગમન ન થતા દોઢ પોણા બે મહિને વરસાદ આવ્યા બાદ ખેડૂતોએ રોપણી કરવી પડી હતી. જેના કારણે અમુક ગામોમાં ખેડૂતોને ધારેલું ઉત્પાદન થઇ શક્યું નથી. ધરમપુરના સાવરમાળ,ખાંડા, ભવાડા, બોપી, ચોરવણી,આંબાતલાટ સહિતના ગામોમાં વરસાદ પાછળથી આવવાના કારણે રોપણી પાછળ ઠેલાતા ડાંગરના ઉત્પાદન ઉપર ખાસ્સી અસર થઈ હોવાનું ખેડૂતો જણાવે છે.

ખેડૂત પ્રતિભાવ
આ વખતના ડાંગર ઉત્પાદન વિષે એક ખેડૂતને પૂછતા તેમણે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે આ વખતે ધરું નાખ્યા બાદ 20-25 દિવસમાં રોપણી થવી જોઈએ એ આ વખતે થઈ શકી ન હતી, આ વખતે ધરું નાખ્યા બાદ વરસાદ મોડો આવવાના કારણે રોપણી દોઢ મહિના મોડી થઈ હતી, જેના કારણે ધરું પાકું થઈ જતા ડાંગરનો પાક જોઈએ એવો પરિપક્વ થયો નથી, જેના કારણે ડાંગરનું ઉત્પાદન ખૂબ જ ઓછું થયું છે, અને જે પાક આવ્યો છે એમાં પણ જીવાતથી નુકસાન થયુ છે. આ વિસ્તારમાં માંડ ૫૫ થી ૬૦ ટકા પાક આવ્યો છે એમ કહી શકાય.  –વંસતભાઈ કુરકુટિયા, સાવરમાળ