હાથરસકાંડ પર અલાહાબાદ હાઇકોર્ટમાં સોમવારે સુનાવણી થઈ હતી, એ દરમિયાન કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને એડીજી પ્રશાંતકુમારને પૂછ્યું કે શું તમારી પુત્રી હોત તો તમે જોયા વિના અંતિમ સંસ્કાર થવા દેત ? આ સવાલ કરાતાં જ તેઓ ચૂપ થઈ ગયા.

    હાઈકોર્ટમાં સુનાવણી પછી બહાર આવેલા પીડિતાના સ્વજનોએ વકીલ સીમા કુશવાહાને આ માહિતી આપી હતી. તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે એડીજી કહેતા હતા કે FSL રિપોર્ટમાં સીમનના પુરાવા મળ્યા નથી, પરંતુ મેં તેમને લૉની ડેફિનેશન સમજવાનું સૂચન કર્યું હતું. મારી પાસે તમામ રિપોર્ટ આવી ચૂક્યા છે. જજે તેમને ક્રોસ સવાલો કર્યા, ત્યારે પણ કોઈ અધિકારીઓ પાસે જવાબ ન હતા.

    આ દરમિયાન કુશવાહાએ આશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે જે રીતે બેન્ચ અને જજનું વલણ હતું એના પરથી લાગે છે કે આ કેસમાં સમાજને સારો સંદેશ જશે. પીડિતાનાં ભાભીએ પણ કોર્ટને જણાવ્યું હતું કે પીડિતાના મોત પછી ડીએમએ મને કહ્યું હતું કે આ છોકરી કોરોનાથી મરી ગઈ હોત તો તમને આટલું વળતર ના મળ્યું હોત! આ મુદ્દે જજે ડીએમને સવાલ કર્યો કે જો કોઈ પૈસાદારની પુત્રી હોત તો તમે આ રીતે અંતિમ સંસ્કાર કરવાની હિંમત કરી હોત? જે રીતે મોટા પરિવારોને મતનો અધિકાર છે તેવી જ રીતે દલિત અને અન્ય તમામ લોકોને પણ બંધારણે મતનો અધિકાર આપ્યો છે.
નોંધનીય છે કે હવે પીડિતાના વકીલ બીજી નવેમ્બરે આગામી સુનાવણી પહેલાં કોર્ટમાં એફિડેવિટ કરીને કોર્ટને સંપૂર્ણ માહિતી આપશે.

   કેરોસીન છાંટીને કરાયેલા અંતિમ સંસ્કાર પણ માનવાધિકારનું ઉલ્લંઘન પીડિતાના વકીલે કોર્ટમાં રજૂઆત કરી કે દરેક સમાજના લોકોને અધિકાર હોય છે એનું ઉલ્લંઘન ના કરી શકાય. અંતિમ સંસ્કારમાં ગંગાજળ હોય છે, પરંતુ પીડિતાના અંતિમ સંસ્કાર કેરોસીન છાંટીને કરાયા હતા. આ માનવાધિકારનું ઉલ્લંઘન છે.

સમગ્ર ઘટના
હાથરસમાં 14 સપ્ટેમ્બરે 4 લોકોએ 19 વર્ષની છોકરી સાથે કથિત ગેંગરેપ કર્યો હતો. એવો પણ આરોપ છે કે છોકરીની કમર પણ તોડી નાખવામાં આવી હતી અને જીભ પણ કાપી નાખવામાં આવી હતી. દિલ્હીમાં 15 દિવસની સારવાર પછી 29 સપ્ટેમ્બરે છોકરીનું મોત થયું હતું. ચારેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે પોલીસનો દાવો છે કે દુષ્કર્મ થયું જ નથી. જનતા અને જજ વચ્ચે ઇન્સાફનો નિર્ણય હાલક-ડોલક થઇ રહેલો દેખાય રહ્યો છે.