ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નર્મદા નદી પરના તમામ મોટા ડેમ ભરાતા છોડાતા પાણીથી સરદાર સરોવરની સપાટી વધી છે. ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી આશરે ૮.૧૪ લાખ ક્યુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટર થઈ છે. શનિવારે ડેમના ૨૩ ગેટ ૩.૩૧ મીટર ખોલાયા હતા. એક ક્યુસેક એટલે પ્રતિ સેકન્ડ ૨૮.૩૨ લિટર થાય. એ હિસાબે ડેમમાંથી પ્રતિ સેકન્ડ અંદાજે ૧.૧૦ કરોડ લિટર પાણી છોડવામાં આવ્યું છે જ્યારે પ્રતિ સેકન્ડ ૧ કરોડ લિટર પાણીની આવક છે.
ગઈકાલે નર્મદા ડેમના ૨૩ ગેટ ૩.૩૧ મીટર ખોલાયા હતા. રાત્રે ૧૦ વાગ્યે ડેમમાંથી ૮.૧૪ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હતું. રવિવારની વહેલી સવારે ૫ વાગ્યાની સ્થિતિએ ડેમની સપાટી ૧૩૦.૯૦ મીટર પાણીની આવક ૯૭૨૨૭૦ ક્યુસેક અને જાવક ૮૧૪૫૯૯ ક્યુસેક જ્યારે સવારે ૭ વાગ્યાની સ્થિતિએ ડેમની સપાટી ૧૩૧.૦૪ મીટર ડેમમાં પાણીની આવક ૧૦૧૬૫૩૩ ક્યુસેક થતા જાવક ૮૧૩૮૩૬ ક્યુસેક થઈ હતી. હાલમાં રીવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી ૧૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે.
તદ્ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં ૩ યુનિટ કાર્યરત છે અને ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે ૪૭૦૦૦ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ રોજનું ૫ કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની વધુ આવકને કારણે હાલ ડેમના ૨૩ ગેટ ખોલી ૭૬૫૦૦૦ ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહી રહ્યું છે, RBPH માંથી ૩૨૯૮૪ ક્યુસેક અને CHPH માંથી ૧૫૮૫૨ મળી કુલ ૮૧૩૮૩૮ લાખ ક્યુસેક પાણી સરદાર સરોવર ડેમ માંથી ડિસ્ચાર્જ કરાયું છે.
આટલી મોટી સંખ્યામાં પાણીની જાવકને પગલે નર્મદા, ભરૂચ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં પુરની સ્થિતિની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. કેવડિયા વિસ્તારના નીચાંણ વાળા વિસ્તારમા પાણી ભરાતા લોકોએ અડધી રાતે પોતાની ઘર વખરી બહાર કાઢવાનો વારો આવ્યો હતો.
બીજા ૨ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી સરદાર સરોવર નર્મદા ડેમ માંથી વધુ પાણી છોડાશે એવી સંભાવનાઓને પગલે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર, નાંદોદ, તિલકવાડા તાલુકાના મામલતદારએ નદી કાંઠાના વિસ્તારના લોકોને સચેત રહવાનું જણાવવામાં આવ્યું છે. જ્યારે ભરૂચ અને વડોદરા જિલ્લાના પણ નદી કાંઠાના વિસ્તારોમાં પણ મામલતદાર દ્વારા સૂચના આપવામાં આવી છે એવું જાણવા મળી રહ્યું છે કે હજુ વધુ લોકોને સ્થળાંતર કરાવવું પડે એવી સ્થિતિનું નિર્માણ થવાની સંભાવનાઓ છે.
BY ચિરાગ તડવી