અમદાવાદ તા. 18 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 25 થી 28મી ઓગસ્ટ દરમિયાન લેવાયેલી ધો.10ની પુરક પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જે 10 ટકાથી પણ ઓછું માત્ર 8.17 ટકા જ રહ્યુ છે. 1.08 લાખથી વધુ વિદ્યાર્થી સામે માંડ 8800 વિદ્યાર્થી પાસ થયા છે અને એક લાખ જેટલા નાપાસ થયા છે. ફરીવાર ગણિત-વિજ્ઞાાનમાં જ સૌથી વધુ નાપાસ થયા છે.
કોરોનાને લીધે જુલાઈને બદલે લગભગ દોઢ મહિના જેટલી મોડી પરીક્ષા લેવાઈ હતી તેમ છતાં પણ ધો. 10ના રીપિટર વિદ્યાર્થીઓ પુરતી તૈયારી ન કરી શકતા 92 ટકા જેટલા નાપાસ થયા છે.
વર્તમાનમાં ગુજરાત બોર્ડ દ્વારા માર્ચની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માંથી એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તેવા વિદ્યાર્થી માટે લેવાતી આ પુરક પરીક્ષામાં આ વર્ષે 1.32 લાખથી વધુ વિદ્યાર્થી નોંધાયા હતા. પરંતુ પરીક્ષા 1,08,869 વિદ્યાર્થીએ આપી હતી. જેમાંથી 8890 વિદ્યાર્થી પાસ થતા એકંદરે માત્ર 8.17 ટકા પરિણામ રહ્યુ છે. જેમાં 5207 છોકરાઓ અને 3683 છોકરીઓ છે. પુરક પરીક્ષામાં પણ છોકરાઓ કરતા છોકરીઓનું પરિણામ વધારે છે. છોકરાઓનું 8.04 ટકા અને છોકરીઓનું 8.36 ટકા પરિણામ રહ્યુ છે. દિવ્યાંગ ઉમેદવારોને 20 ટકા પાસિંગ ધરોણનો લાભ આપવામા આવેલ છે.20 ટકા પાસિંગ સ્ટાન્ડર્ડનો લાભ મેળવી પાસ થયેલા ઉમેદવારો 245 છે.
ધો.10ની માર્ચની મુખ્ય બોર્ડ પરીક્ષામાં 5 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાં સૌથી વધુ ગણિત-વિજ્ઞાાનમાં નાપાસ હતા ત્યારે પુરક પરીક્ષા આપનારામાં સૌથી વધુ ગણિત-વિજ્ઞાાન વિષયના વિદ્યાર્થી હતા. પરંતુ પુરક પરીક્ષામાં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ ગણિત-વિજ્ઞાાનમાં જ નાપાસ થયા છે.
ચિંતાજનક પ્રશ્ન એ છે કે 92 ટકા એટલે કે લગભગ એક લાખ જેટલા વિદ્યાર્થીઓ એક થી બે વિષયમાં ફેર પરીક્ષા આપવા છતાં પણ નાપાસ થયા છે. મોટા ભાગે પુરક પરીક્ષાનું પરિણામ 8 થી 9 ટકા જ રહેતુ હોય છે ત્યારે ગત વર્ષની પુરક પરીક્ષાની સરખામણીએ પણ આ વખતની પુરક પરીક્ષાનું પરિણામ સાવ ઘટયુ છે. સરકાર શિક્ષક અને માં-બાપે હવે વિદ્યાર્થીના ઉજ્જવળ ભવિષ્ય માટે ચોક્કસ નિર્ણય લઇ નવા આઈડિયા સાથે કામ કરવું પડશે.