અમદાવાદઃ ભારતે ‘કરો યા મરો’ સ્થિતિમાં દમદાર પ્રદર્શન કરતા અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની સિરીઝની ચોથી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 8 રને પરાજય આપી શ્રેણી 2-2થી સરભર કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સૂર્યકુમાર યાદવની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 8 વિકેટે 185 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 177 રન બનાવી શકી હતી. હવે બન્ને ટીમો વચ્ચે 20 માર્ચે અંતિમ ટી20 મેચ રમાશે. જે ટીમ મેચ જીતશે તે સિરીઝ કબજે કરશે.
વિરાટ કોહલી,રોહિત શર્મા અને લોકેશ રાહુલ આ સીઝનમાં ફેલ રહ્યાં
આ પહેલાં ભારતીય ઓપનર રોહિત શર્મા, લોકેશ રાહુલ અને કેપ્ટન વિરાટ કોહલી ફેલ રહ્યાં. કેપ્ટન વિરાટ કોહલી 1 રન બનાવીને આઉટ થયો છે. તેને આદિલ રશીદે જોસ બટલરના હાથે સ્ટમ્પ આઉટ કર્યો. રોહિત શર્મા 12 રન બનાવીને જોફ્રા આર્ચરની બોલિંગમાં કેચ આઉટ થયો. તો લોકેશ રાહુલ 17 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો છે. તે બેન સ્ટોક્સની બોલિંગમાં જોફ્રા આર્ચરના હાથે કેચ આઉટ થયો.
સૂર્યકુમારે ડેબ્યુ ઈનિંગમાં ફિફ્ટી ફટકારી મેચની બાઝી પલટી
સૂર્યૂકુમારે ડેબ્યુ ઈનિંગમાં જ ફિફ્ટી ફટકારી છે. તેને 28 બોલમાં જ હાફસેન્ચુરી પુરી કરી છે. સૂર્યકુમારે ડેબ્યુમાં ફિફ્ટી ફટકારનાર ભારતનો પાંચમો ખેલાડી બની ગયો છે. તેની પહેલાં અજિંક્ય રહાણે, ઈશાન કિશન, રોહિત શર્મા અને રોબિન ઉથપ્પાએ ફિફ્ટી મારી હતી. તેને બીજી ટી-20માં ડેબ્યુ કર્યું હતું, પરંતુ બેટિંગ કરવાનો મોક મળ્યો ન હતો. સૂર્યકુમારે કરિયરના પહેલાં જ બોલે સિક્સ ફટકારી.
ઓવરમાં બે સફળતા અપાવી શાર્દુલ ઠાકુરે
ઈંગ્લેન્ડને અંતિમ 4 ઓવરમાં 46 રન કરવાના હતા. ત્યારે શાર્દુલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી બે બોલમાં બે સફળતા અપાવી હતી. શાર્દુલે પહેલા શાનદાર બેટિંગ કરી રહેલા બેન સ્ટોક્સ (46)ને સૂર્યકુમાર યાદવના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. સ્ટોક્સ 23 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારી આઉટ થયો હતો. તો ઇયોન મોર્ગન (4) રન બનાવી ઠાકુરનો શિકાર બન્યો હતો. સેમ કરન (3)ને હાર્દિક પંડ્યાએ બોલ્ડ કર્યો હતો.