નવસારી: ગઈ કાલે વાંસદા તાલુકાના ભીનાર ખાતે દારૂ ભરેલ વાન પાછળ પોલીસ ફિલ્મી ઢબે પકડા-પકડી કરતા વાનચાલક ખેપિયાએ વાહન ચાલકોને અડફેટે લીધા હતા જેમાં એક મોટરસાયકલ ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજતા આ વિસ્તારની લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો.
મળેલી માહિતી પ્રમાણે વાંસદા તાલુકાના વાંસદા બાજુથી મહુવા તાલુકાનો અનાવલનો રિયાઝ નાસીર હુસેન મન્સુર અને તેનો સાગરીત રિયાઝ ગફુર મન્સુર તેમની મારુતિ વાન જીજે 19- AF-7532 લઈને પુરપાટ ઝડપે પોતાનું વાહન લઈને જતો હતો. સ્થાનિક પોલીસને શંકા થતા તેની પાછળ ફિલ્મી ઢબે તેની કારનો પીછો કર્યો. પુરપાટ બેદરકારી પૂર્વક મારૂતીવાન ચાલકે પહેલા જાનકીવન થી ઉનાઈ તરફ જતાં પ્રવાસે નીકળેલ પરિવારની વેગનાર ને ટક્કર મારી હતી.
ત્યાર બાદ મારુતિવાન આગળ ચાલકે ભીનાર ત્રણ રસ્તા પાસે એક મોટરસાયકલ જીજે 21-C-8126ને અડફેટે લીધી હતી. જેમાં મોટરસાયકલ ચાલક ચંદુભાઈ સોમાભાઈ પટેલ જેઓ પાલગભણ તા.વાંસદાના રહવાસી હતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જનાર આરોપીની મારુતિવાન માંથી દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. એવું પોલીસના સુત્રોએ માહિતી આપી છે આ બનાવ બાદ મૃતકના ભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વાંસદા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવમાં મોટરસાયકલ પર સવારનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. કુદરતના કરિશ્મામાં થી મોટરસાયકલ પર સવાર બે વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકો દ્વારા બુટલેગરો પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા.તો બીજી બાજુ પોલીસની કામગીરી બાબતે પણ અનેક સવાલો ઉભા કરી રહ્યા હતા.ફિલ્મીઢબે પોલીસના પીછો કરવાની બાબતે લોકોમાં અનેક તર્ક-વિતર્કો જોવા મળ્યા હતા. લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઇ જતા પોલીસે સમજાવટના પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા. પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જિલ્લાની પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.અને સ્થિતિ વધુ ગંભીર બને એ પહેલા થાળે પડી હતી.
આ ઘટના ઘટિત થવા પાછળ જવાબદાર કોણ ? કોને શું મળ્યું ? કોણે શું ગુમાવ્યું ? એ નિર્ણય આપણે કરવાનો છે