કોરોના વાઇરસની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઇ એની તપાસ કરવા ચીનના વુહાન પ્રાંતમાં જવા ઇચ્છતા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને ચીને વુહાન જતાં અટકાવતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ટ્વીટર પર આ વાત મૂકી હતી કે કોરોના વાઇરસ ક્યાં કેવી રીતે ઉત્પન્ન થયા એની તપાસ કરવા જઇ રહેલા આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોને ચીને વુહાન જવાની પરવાનગી આપી નથી એ ચિંતાજનક વાત છે.
ઉલ્લેખનીય છે કે 2020ના આરંભે કોરોનાનો પહેલો કેસ ચીનના વુહાન પ્રાંતમાંજ બહાર આવ્યો હતો. આ વાઇરસ વુહાનમાંજ પેદા થયા હોવાનું વુહાનના એક ડૉક્ટરે પણ જાહેર કર્યું હતું જે પાછળથી શંકાસ્પદ સ્થિતિમાં મૃતક મળી આવ્યા હતા. શરૂઆતના અહેવાલોમાં વુહાનના માંસ બજારમાંથી આ વાઇરસ ફેલાયા હોવાના રિપોર્ટ પણ વહેતા થયા હતા. સૌથી વધુ કેસ પણ વુહાનમાં હતા.
પરંતુ ચીને સતત આ અહેવાલને નકાર્યા હતા. અમેરિકા સહિત આખી દુનિયા કોરોના વાઇરસ માટે ચીનની જવાબદાર ગણતી હતી. જો કે ચીને એવા અહેવાલ કે વિશ્વ અભિપ્રાયની પરવા કરી નહોતી. ચીને કોરોના વાઇરસ માટે ભારત સહિત બીજા કેટલાક દેશોને જવાબદાર ઠરાવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ એ સમયે પણ ચીનમાં પ્રતિનિધિઓ મોકલીને તપાસ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ચીન એ માટે પરવાનગી આપવા તૈયાર નથી. એથી ચીન પ્રત્યે શંકાની સોય સતત તકાયેલી રહે છે.
સાઉથ ચીનના ગાઢ જંગલોતી ઘેરાયેલી કોતરોમાં ખોદકામ માટેની સુરંગો છે જ્યાં હજારો ચામાચીડિયા વસે છે. કોરોના વાઇરસ માટે આ ચામાચીડિયાને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે પરંતુ ચીન બહારની કોઇ તપાસ ટુકડીને પોતાની ધરતી પર પ્રવેશ આપવા તૈયાર નથી. છેલ્લા વરસ સવા વરસમાં કોરોનાએ વિશ્વના 17 લાખ લોકોના જાન લીધા હતા પરંતુ ચીનને એની પરવા નથી.