ગાંધીનગરમાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સ્કૂલ-કોલેજ ખોલવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાઓ ખોલવા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. 11 જાન્યુઆરીથી ધોરણ 10-12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવશે. આ દરમિયાન કેન્દ્ર સરકારની SOPનું પાલન કરવામાં આવશે. માસ પ્રમોશન આપવાનો હાલ કોઇ વિચાર નથી, જેટલો અભ્યાસ થયો છે તેની પરીક્ષા લેવાશે. સ્કૂલ ચાલુ થાય તે દરમિયાન વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક અને થર્મલ ગનનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે શિક્ષણ મંત્રીએ કહ્યુ કે ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે.
શિક્ષણ મંત્રીએ કહ્યુ છે કે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. નિયમોના પાલનની જવાબદારી અધિકારી, આચાર્યની રહેશે. અન્ય ધોરણો અંગે પણ તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે. સાથે જ વાલીઓએ સંમત્તિપત્ર આપવો પડશે.ધોરણ-9-10-11-12ના વર્ગો ઓડ ઇવન સિસ્ટમથી શરૂ થશે. વિદ્યાર્થીઓના વાલીઓએ કે માતા-પિતાની સંમત્તિ લેવી ફરજિયાત છે. જો કોઇ વાલી પોતાના વિદ્યાર્થીને સ્કૂલમાં મોકલવામાં ના માંગતો હોય તો તેના માટે ઓનલાઇન શિક્ષણ વર્ગ પણ ચાલુ રહેશે.