નાનાપોંઢા: ગતરોજ નાનાપોંઢા અને કપરાડા વિસ્તારમાં ચાલતી બ્લેક ટ્રેપ ક્વોરીઓ (પથ્થરની ખાણો) અને તેમાં થતા ભારે બ્લાસ્ટિંગને કારણે સ્થાનિક ગ્રામજનોનું જનજીવન, ખેતી અને પર્યાવરણ જોખમમાં મુકાયું છે. આ ગંભીર મામલે ગ્રામજનોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાલતી ક્વોરી પ્રવૃત્તિઓ કાયમી ધોરણે બંધ કરવા અને ગામના હિતમાં ન્યાય અપાવવાની માંગ કરી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ ગ્રામજનોની રજૂઆત મુજબ, મોટાપોંઢા ગામના ઝરા ફળિયામાં આવેલી બ્લેક ટ્રેપ ક્વોરી, કાકડકોપર ગામના ડુંગરી ફળિયા બોર્ડર નજીક આવેલી ક્વોરી તેમજ નાનાપોંઢા વિસ્તારની અન્ય ક્વોરીઓને કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગત 25 જૂન, 2026 ના રોજ અત્યંત ભારે બ્લાસ્ટિંગ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. આ બ્લાસ્ટિંગની તીવ્રતાને કારણે કાકડકોપર ગામના અંદાજે 220, મોટાપોંઢા ગામના આશરે 70 અને અંબેટી ગામના આશરે 30 મળી કુલ 320થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અગાઉ પણ આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ક્વોરીની માલિકી અને સંચાલન સાથે જોડાયેલા ગીરીશભાઈ ભીખુભાઈ પટેલ તેમજ (હાલમાં સંચાલન કરી રહેલા દર્શનાબેન પટેલ) અને દીપકભાઈ બાબુભાઈ પટેલ સહિત તમામ જવાબદારોની કાયદેસરની ભૂમિકા અને ક્વોરીની મંજૂરીઓની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ ઉઠી છે.
ગ્રામજનોની મુખ્ય 6 માંગણીઓ:
1. લીઝ રદ કરી કાયમી બંધ કરવી: સંબંધિત ક્વોરીઓની તમામ મંજૂરીઓ, લીઝ અને સંચાલનની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો ગેરરીતિ કે નુકસાન સાબિત થાય તો લીઝ રદ કરી ક્વોરી કાયમી ધોરણે બંધ કરવામાં આવે.
2. મકાનોનું પંચનામું અને વળતર: બ્લાસ્ટિંગથી નુકસાન પામેલા તમામ અસરગ્રસ્ત મકાનોનું તાત્કાલિક સરકારી પંચનામું કરીને ગ્રામજનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે.
3. ખેતી અને બોરવેલની તપાસ: ભારે બ્લાસ્ટિંગને કારણે ખેડૂતોની જમીન, પાક, બોરવેલ અને પાણીના કુદરતી સ્ત્રોતોને થયેલા નુકસાનનો સર્વે કરી યોગ્ય પગલાં લેવામાં આવે.
4. દમણગંગા યોજનાની સુરક્ષા: નજીકમાંથી પસાર થતી દમણગંગા યોજના તથા અન્ય મહત્વના જળસ્ત્રોતોની સુરક્ષા પર થઈ રહેલી અસરની તપાસ કરવામાં આવે.
5. ઓવરલોડ વાહનો પર રોક: ક્વોરીમાંથી ખનીજ વહન કરતા ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભારે વાહનોની અવરજવરથી તૂટી ગયેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે.
6. પ્રદૂષણની તપાસ: વિસ્તારમાં ફેલાતા હવા, પાણી અને ધ્વનિ પ્રદૂષણ અંગે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે અને લોકોના જીવન, જમીન તેમજ પર્યાવરણનું રક્ષણ કરવામાં નહીં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.











