ધરમપુર/વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર પંથકમાં ગેરકાયદે માટી ખનન અને વહનના મામલે સુરત ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને ત્યારબાદ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય દ્વારા આ વાહનો છોડાવવા માટે કરવામાં આવેલી રજૂઆતને લઈને સ્થાનિક રાજકારણ અને વહીવટી તંત્રમાં ગરમાવો આવી ગયો છે.

Decision News ને મળતા અહેવાલો મુજબ, તાજેતરમાં સુરતની ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ધરમપુર વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે માટીનું ખનન અને વહન કરવા બદલ કુલ 11 ડમ્પર અને એક એક્સકેવેટર (હિટાચી) મશીન સીઝ કર્યા હતા. ખાણ-ખનીજ વિભાગની આ કડક કાર્યવાહી બાદ ખનન માફિયાઓ અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ કાર્યવાહી બાદ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આ સીઝ કરાયેલા વાહનોને છોડાવવા માટે રજૂઆત કરી હોવાની વિગતો સામે આવી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા મોટાભાગના ડમ્પરો શ્રીમદ રાજચંદ્ર આશ્રમના વિકાસકાર્યોમાં માટી પૂરવા માટે વપરાતા હતા.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ સ્થાનિક સ્તરે અને વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે:  જો આ વાહનો વિકાસકાર્યમાં રોકાયેલા હતા, તો આટલા મોટા પ્રમાણમાં માટીનું ખનન કઈ જગ્યાએથી કરવામાં આવી રહ્યું હતું? શું આ માટી ખનન અને તેના વહન માટે ખાણ-ખનીજ વિભાગની કાયદેસરની રોયલ્ટી કે પરવાનગી લેવામાં આવી હતી કે નહીં? જો પરવાનગી હતી તો સુરત ફ્લાઈંગ સ્ક્વોડે વાહનો સીઝ કેમ કર્યા? રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી હતી કે પછી આ રસ્તાનો ઉપયોગ માત્ર ખનનના ડમ્પરોની અવરજવર માટે થઈ રહ્યો હતો, તે પણ એક તપાસનો વિષય બન્યો છે.

ધારાસભ્ય અરવિંદ પટેલની ભલામણ કેમ ?: કાયદાકીય પ્રક્રિયા મુજબ દંડ ભરીને વાહનો છોડાવવાને બદલે, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને સંકલન સમિતિની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવાની અને વાહનો છોડાવવા માટે રજૂઆત કરવાની જરૂર કેમ પડી?

તંત્ર સામે ધર્મસંકટ હાલ તો આ સમગ્ર પ્રકરણમાં ‘વિકાસના કામમાં કાયદો આડો આવે છે કે પછી કાયદાના અમલમાં વિકાસનું નામ આડે આવે છે?‘ તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક તરફ સુરત ફ્લાઈંગ સ્ક્વોડે કાયદાનું પાલન કરાવીને ગેરકાયદે ખનન પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે બીજી તરફ રાજકીય ભલામણ બાદ વહીવટી તંત્ર આ મામલે કેવું વલણ અપનાવે છે અને નિયમો મુજબ દંડ વસૂલાય છે કે કેમ, તેના પર સૌની નજર ટકેલી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here