કેવડિયા/એકતા નગર: નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની (એકતા નગર) સ્થિત જંગલ સફારીમાં ફરજ બજાવતા સ્થાનિક આદિવાસી કર્મચારીઓ પર પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવી દ્વારા કરવામાં આવેલા કથિત ગેરવર્તન, બળપ્રયોગ અને સત્તાના દુરુપયોગ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા આ મામલે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ, રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી, ગૃહ વિભાગ, રાજ્ય પોલીસ વડા તેમજ નર્મદા જિલ્લા કલેક્ટર અને એસ.પી.ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, જંગલ સફારીના સ્થાનિક આદિવાસી કર્મચારીઓ છેલ્લા ચાર દિવસથી પોતાના ન્યાયી હક્કો અને શોષણ સામે સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને બંધારણીય રીતે હડતાળ તથા આંદોલન કરી રહ્યા છે. પ્રવાસીઓને કોઈ અગવડ ન પડે અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેની કર્મચારીઓએ પૂરતી તકેદારી રાખી હોવા છતાં, ફરજ પર હાજર પી.આઈ. ગઢવીએ ઉદ્ધત અને અમાનવીય વર્તન કર્યાનો આક્ષેપ છે.
આક્ષેપ મુજબ, કર્મચારીઓના પ્રતિનિધિ શાંતિપૂર્વક રજૂઆત કરવા ગયા ત્યારે પી.આઈ. ગઢવીએચૂપ રહેજે, “આગેવાન નહીં થવાનું” અને “નેતા બનવાની કોશિશ ના કરતો“ જેવા શબ્દો કહી જાહેરમાં અપમાન કર્યું હતું. કોઈ ઉશ્કેરણી ન હોવા છતાં પ્રતિનિધિનો હાથ પકડી બળજબરીપૂર્વક ધક્કો મારી નીચે બેસાડી દેવાનો પ્રયાસ કર્યાનો તેમજ ‘સૌથી પહેલા તને જ ઉપાડી લઈશ અને તારા પર જ પહેલો ગુનો દાખલ થશે’ તેવી ખુલ્લી ધમકી આપ્યાનો પણ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
લોકશાહીમાં નાગરિકોના શાંતિપૂર્ણ વિરોધના અધિકારનો ઉલ્લેખ કરતા ડો. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું છે કે ખોટા કેસમાં ફસાવવાની ધમકી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ અને આદિવાસી કામદારોનો અવાજ દબાવવાનો પ્રયાસ છે. તેમણે વીડિયો પુરાવાના આધારે પી.આઈ. ગઢવી વિરુદ્ધ તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરી તેમને સસ્પેન્ડ કરવા તથા કડક કાયદેસરની અને ખાતાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.











