માનગઢ: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આદિવાસી ઇતિહાસમાં 17 નવેમ્બરનો દિવસ એક અત્યંત કરુણ અને ગૌરવશાળી ‘કાળા અધ્યાય’ તરીકે અંકિત થયેલો છે. આજથી બરાબર 113 વર્ષ પહેલાં, 17 નવેમ્બર 1913ના રોજ રાજસ્થાન અને ગુજરાતની સરહદ પર આવેલા માનગઢ પર્વત પર બ્રિટિશ સેના અને સ્થાનિક રજવાડાઓની સંયુક્ત કાર્યવાહીમાં આશરે 1,500 નિર્દોષ ભીલ અને વણજારા આદિવાસીઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ 6 વર્ષ પહેલાં બનેલી આ ભયાનક ઘટનાને ઇતિહાસમાં ‘આદિવાસી જલિયાંવાલા બાગ’ અથવા ‘વાગડનું જલિયાંવાલા બાગ’ તરીકે ઓળખવામાં આવે છે.

શું હતો ‘ભીલ વિદ્રોહ’ અને સંત ગોવિંદગીરીની ‘ભીલ રાજ’ની કલ્પના?

આ ઘટનાના મૂળમાં 1913માં રાજસ્થાન અને ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં ફેલાયેલો ઐતિહાસિક ‘ભીલ વિદ્રોહ’ હતો. આ આંદોલનના મહાનાયક અને સામાજિક-ધાર્મિક સુધારક સંત ગોવિંદગીરી વણજારા (ગોવિંદ ગુરુ) હતા. તેમણે આદિવાસી સમાજમાં ફેલાયેલી બદીઓ દૂર કરવાની સાથે બ્રિટિશરો અને સ્થાનિક રજવાડાઓના અન્યાયી કરવેરા, જમીન કબજા અને શોષણ સામે બળવો પોકાર્યો હતો. ગોવિંદગીરીએ આદિવાસીઓને સમાન હક અને જમીનની માલિકી અપાવતા ‘ભીલ રાજ’ની સ્થાપનાનું સ્વપ્ન સેવ્યું હતું, જેના કારણે સુન્થ, બાંસવાડા, ઈડર અને ડુંગરપુર જેવા રજવાડાઓના શાસકો તેમના વિરોધમાં ઉતર્યા હતા.

17 નવેમ્બર 1913 નો એ રક્તરંજિત દિવસ:

ઈડર રજવાડાની ધરપકડથી બચવા સંત ગોવિંદગીરી અને તેમના હજારો અનુયાયીઓએ બાંસવાડા અને સુન્થની સીમા પર આવેલા માનગઢ પર્વત પર પડાવ નાખ્યો હતો. ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન પોલીસ થાણા અને પરબતગઢ કિલ્લા પર થયેલા સંઘર્ષ બાદ, 12 નવેમ્બરે ગોવિંદગીરી અને તેમના સહયોગી પુંજા પર્ગી (પુંજા ધીરજી)એ બ્રિટિશ અધિકારીઓને પોતાની ફરિયાદોની યાદી મોકલી હતી. પરંતુ સમાધાન કરવાને બદલે અંગ્રેજોએ ૧૫ નવેમ્બર સુધીમાં પર્વત ખાલી કરવાનું ફરમાન છોડ્યું. આદિવાસીઓએ ઝૂકવાનો ઇનકાર કરતાં, આખરે 17 નવેમ્બરે બ્રિટિશ ‘ઈમ્પીરિયલ સર્વિસ ટ્રૂપ્સ’ અને ‘મેવાડ ભીલ કોર્પ્સ’ની ટુકડીઓએ પર્વતને ઘેરી લઈ રાઇફલો અને તોપોથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 1,500 થી વધુ આદિવાસીઓ શહીદ થયા હતા, જ્યારે ગોવિંદગીરી, પુંજા પર્ગી અને ૯૦૦થી વધુ અનુયાયીઓને બંદી બનાવી લેવાયા હતા.

ઇતિહાસના પાનાઓથી ‘રાષ્ટ્રીય સ્મારક’ સુધીની સફર:

આ હત્યાકાંડ બાદ સંત ગોવિંદગીરીને 1914 માં ઈડર જેલમાં રાખવામાં આવ્યા હતા અને 1923 માં મુક્ત કરાયા હતા. લાંબા સમય સુધી મુખ્ય પ્રવાહના ઇતિહાસમાં ઉપેક્ષિત રહેલી આ શૌર્યગાથાને હવે રાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે. વર્ષ ૨૦૨૨માં માનગઢને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 1 નવેમ્બર 2022 ના રોજ ‘માનગઢ ધામ કી ગૌરવ ગાથા’ કાર્યક્રમમાં હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. હાલમાં અહીં નિર્માણ પામેલું ‘આદિવાસી સ્વતંત્રતા સંગ્રામ સ્મારક અને સંગ્રહાલય’ આજે પણ આદિવાસી સમાજની વીરતા, બલિદાન અને અસ્મિતાનું જીવંત પ્રતીક બનીને ઊભું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here