નાનાપોંઢા: ખાતે આજરોજ ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નાનાપોંઢા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નાનાપોંઢા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા સાથે તેઓ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમના હસ્તે વિવિધ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતનાં પ્રમુખ હેતલબેન પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો, પદાધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ ભગવાન બિરસા મુંડાના બલિદાન, વીરતા, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના અમૂલ્ય યોગદાનને યાદ કરવાનો હતો. આ સાથે આદિવાસી સમાજની આગવી ઓળખ, પરંપરા, સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાને ગૌરવપૂર્વક ઉજાગર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના માધ્યમથી જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ, શિક્ષણ, રોજગાર અને સમૃદ્ધિ માટેના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્ર સાથે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.











