વલસાડ: વલસાડ તાલુકાના ડુંગરી નજીક શંકર તળાવ ગામની હદમાં નેશનલ હાઈવે 48 પર આવેલી જાણીતી વેફર અને નમકીન ઉત્પાદક બાલાજી કંપની ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. કંપનીના આશરે 700 થી વધુ કોન્ટ્રાક્ટ કામદારો પોતાના હક અને પડતર માંગણીઓને લઈને છેલ્લા બે દિવસથી કામથી અળગા રહી હડતાળ પર ઉતર્યા છે.

કામદારોની મુખ્ય માંગણીઓ અને ફરિયાદ: હડતાળ પર ઉતરેલા કામદારોએ પગાર વધારો, બોનસ, મેડિકલ સુવિધા અને કંપનીના કાયમી કર્મચારીઓ સમાન તમામ લાભો આપવાની માંગ કરી છે. કામદારોનો આક્ષેપ છે કે કંપનીમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવતા અનુભવી કામદારને પણ માત્ર એક મહિના પહેલા કામે લાગેલા નવા કર્મચારી જેટલો જ પગાર ચૂકવવામાં આવે છે, જે અન્યાયકર્તા છે.

પોલીસ કાર્યવાહી અને કામદારોના આક્ષેપ: ગત તા. 12 નવેમ્બરે 700 થી વધુ કામદારો કુંડી ફાટક નજીક હાઈવે પરના બ્રિજની એક તરફ એકત્ર થયા હતા, જ્યાં પોલીસે પરવાનગી વિના હડતાળ ન કરવા જણાવી કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી તેમને હટાવ્યા હતા. ત્યારબાદ તા. 13 નવેમ્બરે કામદારો કાપરી ગામે નવા બનેલા બ્રિજ નીચે એકત્ર થયા હતા. આ સમયે વલસાડ ગ્રામ્ય પી.આઈ. સુખવિન્દર સિંહ ગડ્ડુ સહિતનો પોલીસ કાફલો ત્રણ વાહનોમાં કંપની પર પહોંચ્યો હતો. કંપનીના એચ.આર. મેનેજર સાથે ચર્ચા કર્યા બાદ પોલીસ કાફલો કાપરી બ્રિજ નીચે પહોંચ્યો હતો. કામદારોનો આક્ષેપ છે કે મેનેજમેન્ટ કે કોન્ટ્રાક્ટરોમાંથી કોઈ જવાબદાર વ્યક્તિ ચર્ચા કરવા આવવાને બદલે પોલીસે હાથમાં દંડા લઈને સ્થળ પરથી હટી જવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, એક પોલીસ કર્મચારીએ ત્યાં પાર્ક કરેલી કામદારોની મોટરસાયકલોના નંબર પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ થયો છે.

કંપનીનો બચાવ અને શ્રમ વિભાગની તપાસની માંગ: આ સમગ્ર મામલે કંપનીના સત્તાધીશોએ આ હડતાળ કોન્ટ્રાક્ટર અને કામદારો વચ્ચેની આંતરિક સમસ્યાને કારણે થઈ હોવાનું જણાવી પોતાનો બચાવ કર્યો હતો. બીજી તરફ, બાલાજી કંપનીમાં ચાર જેટલી કોન્ટ્રાક્ટ એજન્સીઓ મારફતે કામદારોને રોજગાર અપાતો હોવાની માહિતી સામે આવી છે. ત્યારે વલસાડ જિલ્લા શ્રમ વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરી આ કોન્ટ્રાક્ટરોના લાઈસન્સ, કરાર, પગારની ચૂકવણી તેમજ કામદારોના ઓવરટાઈમ, બોનસ, પી.એફ. (PF) અને ઈ.એસ.આઈ.સી. (ESIC) ના રેકોર્ડની કડક ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કામદારોને બળજબરીથી હટાવવાને બદલે કંપની અને કોન્ટ્રાક્ટરો તેમની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here