ડોલવણ: ડોલવણ પંથકના પદમડુંગરી ખાતે ડોલવણના સ્થાનિક ભાઈ-બહેન તહેવાર નિમિત્તે ફરવા ગયેલા ભાઈ-બહેનો સાથે ફોરેસ્ટ વિભાગના એક ઉચ્ચકક્ષાના અધિકારી દ્વારા નશાની હાલતમાં કથિત ગેરવર્તન કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળેલી સચોટ માહિતી મુજબ, ભાઈ-બહેનો પદમડુંગરી ખાતે ફરવા ગયા હતા. આ દરમિયાન તેઓએ રસ્તાની સાઇડમાં પોતાની બાઇક પાર્ક કરી ફોટોગ્રાફ્સ પાડવાનું શરૂ કર્યું હતું. પદમડુંગરી તરફ જતો આ રસ્તો સામાન્ય રીતે ખાસ અવરજવરવાળો ન હોવા છતાં રસ્તાની સાઇડમાં બાઇક પાર્ક કરેલી હોવાની બાબતને લઈને કથિત રીતે નશાની હાલતમાં આવેલા ફોરેસ્ટ વિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. અધિકારી દ્વારા સાથે રહેલા દીકરા-દીકરીઓ પર હાથ ઉપાડવામાં આવ્યો હતો તેમજ દંડો કાઢીને ધમકાવવામાં આવ્યા હતા. જો આ આક્ષેપો સાચા હોય તો સરકારી હોદ્દા પર બેઠેલા અધિકારી દ્વારા સામાન્ય નાગરિકો સાથે આવું વર્તન કરવું અત્યંત ગંભીર બાબત છે.
ફોરેસ્ટ અધિકારીનું માફીનામું જ શું ન્યાયનો વિકલ્પ છે..? આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર સવાલ ડોલવણ પોલીસ ઇન્સ્પેક્ટની કામગીરી સામે ઊભો થયો છે. મળેલી માહિતી મુજબ, આ મામલે ફરિયાદ નોંધાવવાની સ્થિતિ ઊભી થઈ હોવા છતાં કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે સંબંધિત અધિકારી પાસે માફીનામું લખાવી સમગ્ર મામલો થાળે પાડી દેવામાં આવ્યો હોવાની ચર્ચા છે. જો ઘટનામાં મારપીટ અને ધમકી જેવા ગંભીર આક્ષેપો હોય, તો માત્ર માફીનામું લખાવીને મામલો પૂર્ણ કરી દેવો કેટલો યોગ્ય છે? શું આ મામલે કાયદેસરની તપાસ અને કાર્યવાહી થવી જરૂરી નહોતી..?
ડોલવણ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા સામે સીધા સવાલો ! આ સમગ્ર ઘટનામાં ડોલવણ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા વિશેષ ચર્ચાનો વિષય બની છે. સામાન્ય નાગરિકો સામે નાની-મોટી બાબતોમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે, તો પછી દીકરા-દીકરીઓ સાથે કથિત મારપીટ અને ધમકી જેવા ગંભીર આક્ષેપો ધરાવતા આ મામલે પોલીસ તંત્ર દ્વારા કઈ કાર્યવાહી કરવામાં આવી..?
શું પીડિતોની રજૂઆતને યોગ્ય રીતે સાંભળવામાં આવી હતી..? શું ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી હતી..? શું સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી હતી..? જો ફરિયાદ નોંધવામાં ન આવી હોય તો તેનું કારણ શું છે..? સૌથી મોટો સવાલ એ છે કે સામાન્ય નાગરિક સામે કાયદાની કડકાઈ બતાવતું પોલીસ તંત્ર સરકારી અધિકારી સામે ગંભીર આક્ષેપો ઊભા થાય ત્યારે આટલું નરમ વલણ કેમ અપનાવે છે..? ડોલવણ પોલીસ ઇન્સ્પેક્ટરે આ મામલે જાહેર જનતા સમક્ષ સ્પષ્ટતા કરવી જોઈએ તેવી માંગ ઊઠી રહી છે.
પ્રજાનો સવાલ એક જ — ન્યાય માટે કોના દરવાજે જવું ? સરકારી હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પણ કાયદાને આધીન છે. કોઈ અધિકારીને સત્તા કે હોદ્દાના આધારે સામાન્ય નાગરિકો સાથે મનસ્વી વર્તન કરવાનો અધિકાર મળી જતો નથી. જો આક્ષેપો સાચા હોય તો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. ડોલવણ પંથકમાં આ ઘટનાને લઈને ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સ્તરે માંગ ઊઠી રહી છે કે ફોરેસ્ટ વિભાગના સંબંધિત અધિકારીના વર્તન ઉપરાંત ડોલવણ પોલીસ તંત્ર દ્વારા અપનાવવામાં આવેલી પ્રક્રિયાની પણ ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે.
અંતે સવાલ એ જ છે કે જ્યારે સામાન્ય નાગરિક ન્યાયની આશાએ પોલીસ સ્ટેશન પહોંચે અને સરકારી અધિકારી સામે ગંભીર આક્ષેપો હોવા છતાં માત્ર માફીનામાથી મામલો થાળે પડતો હોવાની ચર્ચા ઊભી થાય, ત્યારે સામાન્ય પ્રજાએ ન્યાય માટે કોના દરવાજે જવું..?











