ખેરગામ: ખેરગામ તાલુકાની ગૌરી ગ્રામ પંચાયતમાં ચાલી રહેલા કથિત નાણાકીય ભ્રષ્ટાચારને છુપાવવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કાયદાનો સરેઆમ અનાદર કરવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. વલસાડ જિલ્લાના તીધરા ગામના આરટીઆઈ (RTI) અરજદાર મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલે આ અંગે મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં લેખિત ફરિયાદ કરીને કસૂરવાર તલાટી કમ મંત્રી અને સરપંચ સામે સસ્પેન્શન સહિતના કડક પગલાં ભરવાની માંગ કરી છે.
આક્ષેપો: ખેરગામ તાલુકાના પ્રથમ અપીલ અધિકારી (TDO) ના સત્તાવાર લેખિત આદેશ હોવા છતાં, ગૌરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી (જાહેર માહિતી અધિકારી) દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરીને નિયમોનુસાર માહિતી આપવામાં આવી નથી. અરજદારે ગતવર્ષે પંચાયતના રેકોર્ડ નિરીક્ષણ દરમિયાન માંગેલી સંપૂર્ણ ૪૫૮ પાનાની માહિતી આપવાને બદલે મનસ્વી રીતે માત્ર થોડા જ કાગળો મોકલીને અધૂરો અને ખોટો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.અરજદારના જણાવ્યા મુજબ, પંચાયતના રેકોર્ડમાં થયેલા મોટા ભ્રષ્ટાચારને બહાર આવતો રોકવા માટે જ આ પ્રકારના નાટકો કરવામાં આવી રહ્યા છે. આદિવાસી વિસ્તારના લોકો સાથે દ્રોહ: દક્ષિણ ગુજરાતના આ આદિવાસી બહુલ વિસ્તારમાં પંચાયતના વિકાસ કાર્યોના નામે કરોડો રૂપિયાની ગેરરીતિ થઈ હોવાની પ્રબળ આશંકા છે. આ ગેરરીતિઓના પુરાવા નાશ કરવા અથવા છુપાવવા માટે અન્ય અરજદારોને પણ હેરાન કરવામાં આવી રહ્યા છે અને કાયદાનો કોઈ ડર રાખ્યા વિના ગૌરી ગામના સરપંચ અને તલાટી એકબીજાની મિલીભગતથી ગેરરીતિઓ આચરી રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
અરજદારની મુખ્ય માંગણીઓ: 1. પ્રથમ અપીલ અધિકારીના આદેશનો ખુલ્લેઆમ અનાદર કરનાર ગૌરી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી તેમની સામે ખાતાકીય તપાસ (Departmental Inquiry) શરૂ કરવામાં આવે અને તેમની આવક કરતા વધુ સંપત્તિની તપાસ થાય. 2. RTI એક્ટની કલમ 7(6) હેઠળ સમયમર્યાદાનો ભંગ થયો હોવાથી, માંગેલી તમામ 458 પાનાની માહિતી સરકારના ખર્ચે પ્રમાણિત નકલોમાં અરજદારના ઘરે સ્પીડ પોસ્ટથી મોકલવાનો આદેશ કરવામાં આવે. 3. કાયદાનો અનાદર કરનાર કસૂરવાર અધિકારીઓ સામે RTI કલમ 20(1) અને 20(2) મુજબ દરરોજનો 250 લેખે મહત્તમ દંડ વસૂલવામાં આવે અને તેમની સર્વિસ બુકમાં આ ગંભીર બેદરકારીની નોંધ કરવામાં આવે. પારદર્શક વહીવટની છાપ ધરાવતી ગુજરાત સરકારની પ્રતિષ્ઠાને કલંક લગાડતા આવા ભ્રષ્ટ સ્થાનિક અધિકારીઓ સામે મુખ્યમંત્રી સ્તરેથી કડક આદેશો છૂટે તેવી નમ્ર અપીલ અરજદાર દ્વારા કરવામાં આવી છે.











