ધરમપુર: વર્તમાન સમયમાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં પરંપરાગત અને પવિત્ર ‘માં માવલી’ની પૂજા-અર્ચનાનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના લોકો પોતાની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાગત રીત-રિવાજો અને સ્નેહ-લાગણીથી ભાવવિભોર થઈને વિધિ-વિધાન અનુસાર માં માવલીની પૂજાવિધિ કરી રહ્યા છે.
આ પૂજા મહોત્સવ અંતર્ગત ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામના પટેલ ફળિયા ખાતે મિલનભાઈ કમલેશભાઈ પટેલ તથા પ્રવીણભાઈ છગનભાઈ પટેલના ઘરે માં માવલીની વિશેષ પૂજાવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજાવિધિ અત્યંત અદ્ભુત, ભાવસભર અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
આ પ્રસંગે સામાજિક આદિવાસી આગેવાન રાહુલ પટેલે જણાવ્યું હતું કે માં માવલીની પૂજા એ માત્ર એક વિધિ નથી, પરંતુ આદિવાસી સંસ્કૃતિ, પ્રકૃતિ પ્રેમ અને પરંપરાગત આસ્થાનું પ્રતિક છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને રીત-રિવાજોને જાળવી રાખવા માટે આવા ધાર્મિક-સામાજિક આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પૂજાવિધિ દરમિયાન સમગ્ર વિસ્તાર માં માવલીના જયઘોષ અને પરંપરાગત વાજિંત્રોના નાદથી ગુંજી ઊઠ્યો હતો.











