છોટાઉદેપુર: સાંસદ મુકેશ રાઠવા દ્વારા તાજેતરમાં એક મહિલા નેતાના DNA અંગે કરવામાં આવેલા વિવાદિત નિવેદનને પગલે રાજકીય પારો ગરમાયો છે. આ મુદ્દે આદિવાસી સમાજના નેતાઓ અને વિપક્ષ દ્વારા તીખી પ્રતિક્રિયા આપતા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સરકાર પોતાની નાકામી છુપાવવા અને આદિવાસીઓના મૂળભૂત પ્રશ્નોથી ધ્યાન ભટકાવવા માટે આવી નિવેદનબાજી કરી રહી છે.
આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું છે કે, ભૂતકાળમાં શાસક પક્ષની સરકારે વિશાળ મેળાવડો યોજીને હજારો લોકોને આદિવાસી હોવાના દાખલાઓનું વિતરણ કર્યું હતું. હવે તે ખોટા દાખલા ધારકોને બચાવવા માટે સાચા આદિવાસીઓ સામે જ જાતિના પ્રમાણપત્રોનો પ્રશ્ન ઊભો કરવામાં આવી રહ્યો છે.
વધુમાં પક્ષના પ્રમુખ ઉમેશકુમાર રાઠવાના નામે પ્ર પ્રકાશિત થયેલી એક પુસ્તકનો ઉલ્લેખ કરીને સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, “જો તે રજૂઆત મુજબ આદિવાસીઓ મૂળ આદિવાસી નથી, તો પછી નેતાઓનું પોતાનું DNA કયું છે તે સ્પષ્ટ કરવું જોઈએ.”
આ વિવાદિત મુદ્દે પ્રદેશના આદિવાસી આગેવાનો અને નેતાઓ જેવા કે નારણભાઈ રાઠવા, રામસિંહ રાઠવા, જશુભાઈ રાઠવા, ગીતાબેન રાઠવા, જયંતીભાઈ રાઠવા અને રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના નેતાઓને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા અને મંતવ્ય આપવા ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે.
મહિલા નેતા રાધિકાબેન અંગે કરવામાં આવેલી ટિપ્પણીનો સખત વિરોધ કરતા જણાવવામાં આવ્યું હતું કે, વિચારધારા કે પક્ષ ગમે તે હોય, પરંતુ કોઈપણ મહિલા નેતાની ઓળખ કે DNA પર વ્યક્તિગત સવાલો ઉઠાવવાની નીતિ ચલાવી લેવાશે નહીં. આદિવાસી સમાજના અધિકારો અને આત્મસન્માન માટે આગામી સમયમાં આ મુદ્દે વધુ વિરોધ દર્શાવવામાં આવશે.











