છોટાઉદેપુર: ગુજરાતના આદિવાસી બહુલ જિલ્લા છોટાઉદેપુરમાં શિક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી અને સકારાત્મક પરિવર્તન જોવા મળી રહ્યું છે. જિલ્લા કલેક્ટર અને 2015 બેચના IAS અધિકારી ગાર્ગી જૈન દ્વારા શરૂ કરવામાં આવેલી ‘Collector in Classroom’ પહેલ આદિવાસી દીકરીઓ માટે નવી આશાનું કિરણ બની છે.

આ પહેલ અંતર્ગત કલેક્ટર ગાર્ગી જૈન દર અઠવાડિયે કન્યા શાળાઓની રૂબરૂ મુલાકાત લે છે. તેઓ વર્ગખંડમાં વિદ્યાર્થીનીઓ સાથે જમીન પર બેસીને તેમના સપનાઓ, મુશ્કેલીઓ અને ભવિષ્યના લક્ષ્યો અંગે ખુલ્લી ચર્ચા કરે છે. પોતાના બાળપણના અનુભવો શેર કરીને તેમણે દીકરીઓ સાથે એક ખાસ અને વિશ્વાસપાત્ર નાતો જોડ્યો છે.

અગાઉ આ વિસ્તારમાં ગરીબી, બાળલગ્ન અને જાગૃતિના અભાવ જેવા પરિબળોને કારણે ઘણી દીકરીઓ વચ્ચેથી જ અભ્યાસ છોડી દેતી હતી. કલેક્ટરના સતત પ્રયાસો અને માર્ગદર્શનના કારણે પરિણામો બદલાયા છે:  વર્ષ 2025માં શાળા છોડી ગયેલા આશરે 9,000 વિદ્યાર્થીઓમાંથી 2026 સુધીમાં 4,500થી વધુ વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ પ્રક્રિયા સાથે જોડવામાં સફળતા મળી છે. ખાસ કરીને દીકરીઓના ડ્રોપ-આઉટ દરમાં અંદાજે 60 ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

અત્યાર સુધીમાં 5 કન્યા વિદ્યાલયોની 750થી વધુ વિદ્યાર્થીનીઓને આ પહેલનો સીધો લાભ મળ્યો છે. કલેક્ટર દ્વારા દીકરીઓને: UPSC, એન્જિનિયરિંગ અને મેડિકલ જેવા ઉચ્ચ કારકિર્દીના વિકલ્પો અંગે માર્ગદર્શન. ‘ગુડ ટચ-બેડ ટચ’ અંગેની જાગૃતિ અને કાનૂની અધિકારોનું જ્ઞાન. આત્મવિશ્વાસ સાથે સમાજમાં આગળ વધવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે. ગાર્ગી જૈન કહે છે કે મારું સ્વપ્ન છે કે આ વિસ્તારમાંથી ઓછામાં ઓછી પાંચ આદિવાસી દીકરીઓ આગળ જઈને IAS અધિકારી બને, ગાર્ગી જૈનની આ સંવેદનશીલ અને નિષ્ઠાવાન પહેલે સાબિત કરી દીધું છે કે જો નેતૃત્વમાં સંવેદનશીલતા અને સતત સંવાદ હોય તો ગ્રાઉન્ડ લેવલ પર મોટો સામાજિક બદલાવ લાવી શકાય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here