કપરાડા: વલસાડ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તાર ગણાતા કપરાડા તાલુકાના યુવાનોની અખૂટ રમતગમત પ્રતિભા અને શારીરિક ક્ષમતાને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા માટે એક મહત્વની રજૂઆત કરવામાં આવી છે. સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (વલસાડ)ના પૂર્વ પ્રમુખ તેમજ ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ પટેલ દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીને કપરાડા તાલુકા મથકે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ “તાલુકા કક્ષાનું મલ્ટી-પર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ” મંજૂર કરવા ભાવભરી અપીલ કરવામાં આવી છે.
ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, કપરાડા તાલુકાના ખડતલ અને ઉત્સાહી યુવાનો માત્ર આર્મી કે પોલીસ ભરતી પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેઓ એથ્લેટિક્સ (દોડ, ઊંચી-લાંબી કૂદ), ક્રિકેટ, કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ફૂટબોલ તેમજ આદિવાસી સંસ્કૃતિની પરંપરાગત રમત એવી તીરંદાજી (Archery)માં અસાધારણ કુદરતી કૌશલ્ય ધરાવે છે. જો આ ખેલાડીઓને યોગ્ય ટ્રેનિંગ અને માળખાકીય સુવિધાઓ મળે તો તેઓ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ લાવીને ગુજરાતનું નામ રોશન કરી શકે તેમ છે.
હાલમાં કપરાડા તાલુકામાં માત્ર ક્રિકેટ રમી શકાય તેવાં સામાન્ય પ્લેગ્રાઉન્ડ છે, પરંતુ વ્યાવસાયિક સ્તરની સુવિધાઓનો સદંતર અભાવ છે. પ્રતિભાશાળી અને આર્થિક રીતે નબળા પરિવારોના ખેલાડીઓ માટે પ્રેક્ટિસ કરવા માટે છેક વલસાડ કે વાપી સુધી જવું અશક્ય બની જાય છે, જેના કારણે અનેક આશાસ્પદ પ્રતિભાઓ દબાઈ જાય છે.
ડો. નિરવ પટેલે ઉમેર્યું હતું કે, આ પ્રકારનું સર્વગ્રાહી રમતગમત સંકુલ કપરાડાના યુવાધનને યોગ્ય દિશા આપશે અને તેમને નશાબંધી તથા અન્ય સામાજિક દૂષણોથી દૂર રાખીને રાષ્ટ્રનિર્માણના કાર્યોમાં જોડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આદિવાસી સમાજના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય અને ખેલાડીઓના હિતમાં રાજ્ય સરકાર વહેલી તકે આ અંગે સકારાત્મક અને ત્વરિત નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.











