ધરમપુર: ખારવેલ પ્રાથમિક શાળા, પીએમશ્રી ગુજરાત ખાતે શાળાના આદરણીય અને અનુભવી શિક્ષકશ્રી જસવંતભાઈ ભાયલુભાઈ માહલાની નિવૃત્તિ નિમિત્તે એક ખાસ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળા પરિવાર, સ્ટાફગણ તેમજ ગ્રામજનો દ્વારા શિક્ષકશ્રીનું સાદર સન્માન કરી તેમની લાંબી, નિષ્ઠાપૂર્ણ અને સેવાભાવી કારકિર્દીને બિરદાવવામાં આવી હતી.

શિક્ષકશ્રી જસવંતભાઈ માહલાએ પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન કુલ 37 વર્ષ સુધી શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે, જેમાંથી છેલ્લા 20 વર્ષ તેમણે ખારવેલ પ્રાથમિક શાળામાં સમર્પિત કર્યા હતા. તેમણે શિક્ષણને માત્ર એક વ્યવસાય તરીકે નહીં, પરંતુ સમાજસેવા અને રાષ્ટ્રનિર્માણના પવિત્ર કાર્ય તરીકે સ્વીકારીને અનેક વિદ્યાર્થીઓના જીવનઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પોતાના સેવાકાળ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓમાં જ્ઞાનની સાથે સંસ્કાર, શિસ્ત, સમયપાલન અને જીવનમૂલ્યોનું સુંદર સિંચન કર્યું હતું. શાળાના શૈક્ષણિક વાતાવરણને સમૃદ્ધ બનાવવામાં, સહકર્મીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવવામાં અને વાલીઓ તથા ગ્રામજનો સાથે સંકલન સાધી શાળાના વિકાસમાં તેમનું યોગદાન અવિસ્મરણીય રહ્યું છે.

સમારંભ દરમિયાન શાળા પરિવાર દ્વારા તેમને સન્માનપત્ર અર્પણ કરીને તેમની અમૂલ્ય સેવાઓ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌ કોઈએ તેમના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ, શાંતિપૂર્ણ અને આનંદમય નિવૃત્ત જીવન માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી.

“શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તેના દ્વારા આપવામાં આવેલું જ્ઞાન અને સંસ્કાર પેઢીઓ સુધી જીવંત રહે છે” – એ ઉક્તિને સાર્થક કરનાર શિક્ષકશ્રી જસવંતભાઈ માહલાની સેવાઓને ખારવેલ પ્રાથમિક શાળા પરિવારે કોટિ કોટિ વંદન સાથે બિરદાવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here