દક્ષિણ ગુજરાત: વલસાડ, નવસારી અને ડાંગ જેવા આદિવાસી વહુલ જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તાજેતરમાં જ ૧૪ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ખુડવેલ વિસ્તારમાં દીપડાના હુમલાની બનેલી ઘટના બાદ સ્થાનિકોમાં ભારે ફાળ પડી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજૂઆત મળતાં જ આદિવાસી સમાજના યુવા આગેવાન અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નિરવ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને વહીવટી તંત્રને પત્ર લખીને તાત્કાલિક સુરક્ષા પગલાં ભરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
ડો. નિરવ પટેલે પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ આદિવાસી વિસ્તારોમાં સાંજ અને રાત્રિના સમયે લોડ શેડિંગ કે અન્ય ટેકનિકલ કારણોસર દરરોજ આશરે ૨૫ થી ૩૦ મિનિટનો વીજકાપ કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં પશુઓ ખુલ્લામાં કે કોઢમાં બાંધેલા હોય છે અને સાંજના સમયે લોકોની અવરજવર પણ વધુ હોય છે. અંધારાનો લાભ લઈને દીપડા સરળતાથી હુમલો કરે છે, જેથી માનવજીવન અને પશુધન પર મોટું જોખમ ઊભું થાય છે.
મુખ્ય માંગણીઓ: અવિરત વીજપુરવઠો: દીપડાની અવરજવર વાળા ગામોમાં સાંજથી સવાર સુધી DGVCL દ્વારા વીજપુરવઠો સંપૂર્ણપણે ચાલુ રાખવામાં આવે. દિવસ દરમિયાન વીજકાપ: જો ટેકનિકલ કારણોસર વીજકાપ જરૂરી હોય, તો તે સાંજ કે રાત્રિના બદલે માત્ર દિવસના અજવાળામાં જ કરવામાં આવે. સંયુક્ત તપાસ અને પેટ્રોલિંગ: વીજ કંપની, વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત રીતે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ અહેવાલ તૈયાર કરે તથા વન વિભાગ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે. જનજાગૃતિ અને હેલ્પલાઇન: જોખમી વિસ્તારોમાં ઇમરજન્સી હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે અને પશુપાલકોને પશુઓના રક્ષણ માટે લાઈટિંગ સિસ્ટમની સુવિધા માટે સહાય આપવામાં આવે.
સ્થાનિકો અને જનતાના હિતમાં કરાયેલી આ રજૂઆતને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીના એડિશનલ કલેક્ટર દ્વારા ઊર્જા વિભાગ અને વન વિભાગના ઉચ્ચ સચિવોને આ બાબતે તાત્કાલિક યોગ્ય ચકાસણી કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા અને અરજદારને તેની જાણ કરવા માટે લેખિત આદેશ જારી કરી દેવાયા છે. સરકાર અને તંત્રના આ સકારાત્મક વલણથી સ્થાનિક નાગરિકોમાં આશાનું કિરણ જાગ્યું છે કે વિવિધ વિભાગોના સંકલનથી આદિવાસી વિસ્તારોમાં સુરક્ષા મજબૂત થશે અને ભવિષ્યની મોટી દુર્ઘટનાઓ અટકાવી શકાશે.











