ગુજરાત: સમસ્ત આદિવાસી સમાજ (SAS) ગુજરાત રાજ્યના મહામંત્રી તરીકે તેજસ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વની જવાબદારી સોંપવા બદલ તેમણે SASના પ્રમુખ ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા અને સમગ્ર આદિવાસી સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પદને તેમણે માત્ર સન્માન નહીં પરંતુ સમગ્ર સમાજ પ્રત્યેનું સંવેદનશીલ દાયિત્વ ગણાવ્યું હતું.

પોતાની નિમણૂક અંગે વાત કરતા તેજસ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતના 14આદિવાસી જિલ્લાઓ, 53 તાલુકાઓ અને 5,800થી વધુ ગામડાઓમાં વસતા 1.25 કરોડ આદિવાસી લોકોના દરેક પરિવાર સુધી પહોંચવું અને તેમની સુખાકારી માટે કામ કરવું એ મારી પ્રાથમિકતા રહેશે. આ પદ મારી વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ સમગ્ર સમાજનો વિશ્વાસ છે.”

સમાજના ઉત્થાન માટે નક્કી કરેલા મુખ્ય લક્ષ્યાંકો: રાજ્યની 29 આદિવાસી જાતિઓ, વિવિધ મંડળો અને સંસ્થાઓને સાથે રાખીને એકતા અને સહકારનું માળખું ઊભું કરવું, જમીન, જંગલ, જળ અને બંધારણીય અધિકારો પ્રત્યે સમાજમાં જાગૃતિ લાવવી, યુવાનો અને મહિલાઓના સશક્તિકરણ માટે શિક્ષણ અને રોજીરોટીની નવી તકો ઊભી કરવી, જે વિસ્તારોમાં અવાજ નબળો છે ત્યાં સુધી પહોંચીને વાસ્તવિક પ્રશ્નોનો સંવાદ દ્વારા ઉકેલ લાવવો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેમનો અભિગમ કોઈ એક જાતિ, વિસ્તાર કે સંગઠન પૂરતો સીમિત ન રહેતાં સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના ગૌરવ, સુરક્ષા અને સર્વાંગી વિકાસ માટે કામ કરવાનો રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here