ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની પરિવહન સુવિધામાં વધારો કરવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા ‘જનજાતીય ગૌરવ પરિવહન’ યોજના હેઠળ ધરમપુર એસ.ટી. ડેપોને ૪ નવી મિનિબસોની ભેટ આપવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાજીના શૌર્ય અને જનજાતીય ગૌરવને સમર્પિત આ મિનિબસોનું ગુરુવારે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમ બાદ ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તેમજ એસ.ટી. વિભાગના અધિકારીઓએ જાતે મિનિબસમાં સવાર થઈને આસુરા શાળા સુધીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે બસની આંતરિક સુવિધાઓ તેમજ રસ્તાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ધરમપુરના અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાંથી શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓને બસ સેવાના અભાવે ભારે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. આ નવી 4 મિનિબસો ખાસ કરીને વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબના રૂટ પર ચલાવવામાં આવશે, જેથી તેઓને સમયસર અને સુરક્ષિત પરિવહન મળી રહે. આ પ્રસંગે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બસ સેવા અંતરિયાળ વિસ્તારના બાળકો માટે શિક્ષણ સુધી પહોંચવાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ બનશે અને અનેક વિદ્યાર્થીઓને તેનો સીધો લાભ મળશે.

યુથ લીડર ડૉ. નિરવ ભુલાભાઈ પટેલની રજૂઆતો અને પ્રયાસોને સફળતા મળી છે. ધરમપુર ડેપો દ્વારા બિલધા, સુરગાણા અને તામાછડી સહિતના વિવિધ વિસ્તારો માટે એસ.ટી. બસ સેવાઓ શરૂ કરવામાં આવતાં સ્થાનિક ગ્રામજનો અને દૈનિક મુસાફરોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here