ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ, બારડોલી સંચાલિત આશ્રમ શાળા સામરપાડા ડેડીયાપાડા, જી. નર્મદાના રમતવીરોએ ‘ખેલ મહાકુંભ 2026’ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે. ડેડીયાપાડા તાલુકા કક્ષાએ યોજાયેલી અન્ડર-14 ખો-ખો સ્પર્ધામાં આશ્રમ શાળા સામરપાડાની કુમાર અને કન્યા બંને ટીમોએ શાનદાર રમતનું પ્રદર્શન કરી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે.
ડેડીયાપાડા તાલુકા કક્ષાની અન્ડર-14 ખો-ખો સ્પર્ધામાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી કુલ 21 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તીવ્ર સ્પર્ધાત્મક માહોલમાં આશ્રમ શાળા સામરપાડાની અન્ડર-14 કુમાર ટીમે અદભુત સંકલન અને ક્ષમતા બતાવી તમામ પ્રતિસ્પર્ધી ટીમોને માત આપી સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન (ચેમ્પિયન) પ્રાપ્ત કર્યું હતું. આ સાથે જ શાળાની અન્ડર-14 કન્યા ટીમે પણ ઝંઝાવાતી રમત દર્શાવી તાલુકા કક્ષાએ દ્વિતીય સ્થાન (રનર્સ-અપ) મેળવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સામરપાડા આશ્રમ શાળાની અન્ડર-14 કુમાર ખો-ખો ટીમ અગાઉ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) સ્પર્ધામાં પણ ચેમ્પિયન બની ચૂકી છે. ખેલ મહાકુંભમાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે આ ટીમ આગામી દિવસોમાં રાજ્ય (સ્ટેટ) કક્ષાની સ્પર્ધામાં નર્મદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
અંતરિયાળ વિસ્તારના આદિવાસી બાળકોની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ હળપતિ સેવા સંઘ, બારડોલીના માનનીય પ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ શાળાના આચાર્યશ્રી, રમત-ગમત પ્રશિક્ષક (કોચ) અને સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ જ્વલંત સફળતાથી સામરપાડા ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે હર્ષ અને ગૌરવનો માહોલ છે.











