ખેરગામ: આજરોજ ખેરગામ તાલુકાના નાધઈ ગામના બાળકોએ ખેલ મહાકુંભની તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાના ગામનું નામ રોશન કર્યું છે. નિબંધ લેખન, વક્તૃત્વ, તબલા વાદન અને રાષ્ટ્રભક્તિ સમૂહગીત જેવી સ્પર્ધાઓમાં વિજેતા બનેલા બાળકોની સિદ્ધિને બિરદાવવા માટે સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
વિવિધ સ્પર્ધાઓમાં મેળવી ઝળહળતી સિદ્ધિ નાધઈ ગામના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું: નિબંધ લેખન: પ્રાચી નિલેશભાઈ પટેલ (પ્રથમ ક્રમાંક) વક્તૃત્વ સ્પર્ધા: દ્રષ્ટિ ભાવેશભાઈ પટેલ (દ્વિતીય ક્રમાંક) તબલા વાદન: ધ્રુવિતકુમાર વિજયભાઈ પટેલ (દ્વિતીય ક્રમાંક) રાષ્ટ્રભક્તિ સમૂહગીત: “હો જાઓ તૈયાર સાથિયો, હો જાઓ તૈયાર” ગીત પર માહિ ભાવિનભાઈ પટેલ, આરવી ઉમેશભાઈ પટેલ, નેન્સી રિતેશકુમાર પટેલ, ક્રિયાંશી નિમેષભાઈ પટેલ, અવની નરેશભાઈ પટેલ, યસ્વી રિતેશભાઈ પટેલ, રિયાન્સ મિતેશભાઈ પટેલ, પાર્થ ગોરલભાઈ પટેલ, વૈદ ભાવેશભાઈ પટેલ, અંશ કિરણકુમાર પટેલ અને હર્ષિતકુમાર મનહરભાઈ પટેલની ટીમે મંત્રમુગ્ધ કરનારું સુંદર પ્રદર્શન કર્યું હતું.
બાળકોના ઉત્સાહવર્ધન માટે યોજાયો સન્માન કાર્યક્રમ: બાળકોની આ સિદ્ધિને બિરદાવવા માટે ડો. નિરવ ભુલાભાઈ પટેલ, નાધઈ પ્રાથમિક શાળાના આચાર્ય જયંતભાઈ અરવિંદભાઈ પટેલ તેમજ ગામના આગેવાનો ભાવેશ પટેલ, ભાવિન પટેલ, રસીકભાઈ, વિજયભાઈ અને નિલેશભાઈએ ઉપસ્થિત રહીને તમામ વિજેતા બાળકોનું સન્માન કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે બાળકોએ બુલંદ અવાજે રાષ્ટ્રભક્તિ ગીતની પ્રસ્તુતિ કરી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. ગામના આગેવાનો અને ગ્રામજનોએ બાળકોની આ સફળતા બદલ ખુશી વ્યક્ત કરી આગામી સ્પર્ધાઓ માટે શુભકામનાઓ પાઠવી હતી.











