ખેરગામ: ખેરગામ તાલુકાના નાધઈ ગામના અને હાલ મામલતદાર કચેરી નજીક ‘એમ.પી. ફિટનેસ જિમ’ ચલાવતા મધ્યમવર્ગીય યુવાન મૈત્રિક પટેલે પોતાની સખત મહેનત અને પરિશ્રમના બળે મુંબઈ ખાતે યોજાયેલી ‘પીએમ એક્સ’ બોક્સિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા છતાં વિપરીત પરિસ્થિતિઓ સામે ઝૂક્યા વગર તેમણે મેળવેલી આ સિદ્ધિથી સમગ્ર ખેરગામ તાલુકામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને પરત ફેરેલા મૈત્રિક પટેલનું ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા ફેંટો પહેરાવી અને ટ્રોફી એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડો. નિરવ પટેલે જણાવ્યું હતું કે, “આજના સમયમાં યુવાનોમાં આળસ, મોબાઈલનું વળગણ, વ્યસન અને કામચોરી જેવા અવગુણો વધી રહ્યા છે, જેના કારણે નાની ઉંમરે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ (સુગર) જેવી બીમારીઓ ઘર કરી રહી છે. યુવાનોએ વ્યસન અને ઠંડા પીણાંનું સેવન કરવાને બદલે પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.”

સુવર્ણચંદ્રક વિજેતા મૈત્રિક પટેલે પણ યુવાનોને કુરિવાજો અને વ્યસનોથી દૂર રહી નિરોગી જીવન જીવવાનો અનુરોધ કર્યો હતો. આ સાથે તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવાળી પછી તેઓ પોતાના જિમમાં બોક્સિંગ અને કરાટે જેવી રમતગમતોની તાલીમ પણ શરૂ કરશે. આ જાહેરાતથી બાળકોની શારીરિક સુરક્ષા અને ફિટનેસ અંગે ચિંતિત ખેરગામના વાલીઓમાં રાહત અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here