ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના કેળવણી ગામના જંગલ જમીન ધારક આદિવાસી ખેડૂતો દ્વારા આજે મામલતદાર કચેરી ખાતે હાજર રહી જંગલ જમીન સંબંધિત પ્રશ્નો અંગે વહીવટી તંત્ર સમક્ષ પોતાના વાંધા અને રજૂઆતો રજૂ કરવામાં આવી હતી.

Decision News ને રાહુલ પટેલ જણાવે છે કે, કેળવણી ગામના આદિવાસી ખેડૂતો વર્ષોથી જંગલ જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે, તાજેતરમાં તંત્ર દ્વારા આ જમીનો અંગે ખેડૂતોને નોટિસો પાઠવવામાં આવતા ખેડૂતોમાં ભારે ચિંતા અને અસંતોષ વ્યાપી ગયો હતો. આ નોટિસોના જવાબરૂપે ગામના ખેડૂતોએ એકતા દર્શાવી મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે પહોંચીને પોતાની વાંધા અરજીઓ સોંપી હતી.

આદિવાસી ખેડૂતોએ જણાવ્યું હતું કે, તેઓ પેઢીઓથી આ જમીન ખેડી રહ્યા છે અને પોતાના જળ, જંગલ અને જમીનના અધિકાર માટે એકજૂટ થઈને અવાજ ઉઠાવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી આદિવાસીઓના હક અને અધિકારની રક્ષા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. સ્થાનિક આગેવાનો અને ખેડૂતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજના ન્યાય અને અધિકાર માટેનો આ સંઘર્ષ આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here