AI ફોટોગ્રાફ્સ

સાબરકાંઠા: સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) તેમજ બીલીમોરાના ભૂતપૂર્વ પીએસઆઈ ધરમશી પઢેરિયા વિરૂદ્ધ ભ્રષ્ટાચાર, લાંચની માંગણી અને સત્તાના દુરુપયોગ અંગેના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. આ મામલે સામાજિક કાર્યકર મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક વિસ્તૃત લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં પીઆઈ પઢેરિયાની સમગ્ર સરકારી ફરજ દરમિયાનની આવક અને તેમની વર્તમાન મિલકતો અંગે સ્વતંત્ર ‘ડિસપ્રોપોશનેટ એસેટ્સ’ (DA – અપ્રમાણસર મિલકત) ની તપાસ કરાવવા પ્રબળ માંગ કરવામાં આવી છે. આ અરજીની નકલ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)ના નિયામક, રાજ્ય પોલીસ વડા (DGP), ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને સીઆઈડી ક્રાઈમ સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ યોગ્ય કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવી છે. રજૂઆતમાં દર્શાવેલા દાવા મુજબ: ACB કેસમાં નામ: સાબરકાંઠા એસીબીના એક કેસમાં ફરિયાદી દ્વારા લાંચની માંગણી સંદર્ભે પીઆઈ ધરમશી પઢેરિયાનું નામ લેવામાં આવ્યું છે. જેલવાસનો ભૂતકાળ: ભૂતકાળમાં સુરત ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા સમયે તેઓ રૂ. 8,000ની લાંચના કેસમાં લાજપોર જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે. સરકારી નાણાંનો દુરુપયોગ: ખેરગામ પીએસઆઈ તરીકે ફરજ દરમિયાન ઉચ્ચ અધિકારીઓની મંજૂરી વિના ખાનગી વ્યક્તિ પાસેથી અંગત લાભ મેળવવા સરકારી નાણાંનો વ્યય કરીને પોતાની કેબિન તથા ઘરે ગેરકાયદેસર એસી લગાવાયા હોવાનો આક્ષેપ છે. ગુંદલાવ પ્રકરણ: ગુંદલાવના એક સોની સામે ચોરીના ઘરેણાં ખરીદવા બાબતે કોઈ કાર્યવાહી ન કરી હોવાની બાબત પણ ચર્ચાનો વિષય બની છે.

1. સ્વતંત્ર તપાસ: સાબરકાંઠા એસીબી કેસના મૂળ નિવેદન, વેરિફિકેશન રિપોર્ટ, ઓડિયો-વીડિયો અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓની કોઈ સ્વતંત્ર વરિષ્ઠ અધિકારી દ્વારા ફેરતપાસ કરવામાં આવે. 2. સંપત્તિનું કાયદેસર ઓડિટ: પઢેરિયાની પ્રથમ સરકારી નિમણૂકથી લઈને આજદિન સુધીના પગાર, ઇન્કમ ટેક્સ રિટર્ન, પ્રોપર્ટી ડિક્લેરેશન તેમજ તેમના અને પરિવારના નામે રહેલી જમીન, મકાન, બેંક બેલેન્સ અને વાહનોનું ઓડિટ થાય. 3. ઉચ્ચ સ્તરીય તપાસ: સ્થાનિક વહીવટી પ્રભાવથી મુક્ત રહીને એસીબી, વિજિલન્સ અથવા સીઆઈડી ક્રાઈમના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા જ તપાસ હાથ ધરવામાં આવે. 4. રેકોર્ડની સુરક્ષા: તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કેસ ડાયરી, સ્ટેશન ડાયરી અને એસીબી રેકોર્ડ્સ સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તેને સુરક્ષિત રાખવામાં આવે તેમજ અરજદારને માહિતી નકારવા અંગે competent authority દ્વારા સમીક્ષા થાય.

સામાજિક કાર્યકર મુકેશ પટેલે રજૂઆતમાં સ્પષ્ટ કડક શબ્દોમાં જણાવ્યું છે કે, કાયદો સામાન્ય નાગરિક અને પોલીસ અધિકારી બંને માટે સમાન છે. આથી સમગ્ર મામલાની પારદર્શક અને સમયબદ્ધ તપાસ કરી તપાસના અંતે તંત્ર દ્વારા ‘એક્શન ટેકન રિપોર્ટ’ (ATR) જાહેર કરવામાં આવે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here