ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા કેળવણી ગામના પાડવી ફળિયાની સ્મશાનભૂમિની દયનીય સ્થિતિ દર્શાવતો વિડીયો વાયરલ થતાં આદિવાસી સમાજના આગેવાનોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિની ગંભીર નોંધ લીધી હતી. ડો. નિરવ ભુલાભાઇ પટેલ, ધરમપુરના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, કમલેશ પટેલ, મુકેશ પટેલ અને પથીક પટેલ સહિતના આગેવાનોએ ગામના સરપંચ નરેશભાઈ, માજી સરપંચ સુરેશભાઈ, જયેશભાઇ પવાર, દિનેશ પાડવી અને સ્થાનિક ગ્રામજનો સાથે સ્થળ મુલાકાત લઈ વિસ્તૃત ચર્ચા કરી હતી.

લાંબી ચર્ચા બાદ નીકળેલા નિષ્કર્ષ મુજબ, ખાતા નં. 272 માં પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરને તાકીદનો પત્ર લખવામાં આવ્યો છે. રજૂઆતમાં જણાવવામાં આવેલાં મુખ્ય મુદ્દાઓ: પાકો રસ્તો અને શેડ: વરસાદ અને કાદવ-કીચડના કારણે મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં ભારે આફત ઊભી થતી હોવાથી બારેમાસ ઉપયોગ કરી શકાય તેવો પાકો રસ્તો અને મજબૂત વરસાદ-રોધક શેડ બનાવવો. વીજળી અને લાઈટિંગ: કાયમી વીજ કનેક્શન અને સુરક્ષિત વાયરિંગ સાથે પૂરતી લાઈટિંગની વ્યવસ્થા કરવી, જેથી રાત્રિના સમયે અંતિમવિધિ કરતી વખતે સર્પદંશ કે અકસ્માતનો ભય ન રહે. મૂળભૂત સગવડો: પીવાના પાણી, સફાઈ, કચરા વ્યવસ્થાપન અને ગ્રામજનોને બેસવા માટે પ્લેટફોર્મની વ્યવસ્થા કરવી. ગ્રાન્ટની વિગતો: જો આ સ્મશાનભૂમિ માટે અગાઉ કોઈ સરકારી ગ્રાન્ટ મંજૂર થઈ હોય, તો તેનો ખર્ચ અને વર્તમાન સ્થિતિની માહિતી જાહેર કરવામાં આવે. ઠરાવની કામગીરીની લેખિત માહિતી: ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ની ગ્રામસભામાં સર્વાનુમતે પસાર થયેલા ઠરાવ પર અત્યાર સુધી થયેલી કાર્યવાહીની લેખિત માહિતી ગ્રામજનોને આપવી.

ડૉ. નિરવ પટેલે જણાવ્યું હતું કે, આઝાદીના દાયકાઓ પછી પણ આદિવાસી બહુલ અને આર્થિક રીતે નબળા વિસ્તારોમાં લોકોને મૃતકના સન્માનપૂર્ણ અંતિમ સંસ્કાર માટે રઝળપાટ કરવો પડે છે તે અત્યંત ખેદજનક છે. આ કોઈ વ્યક્તિગત લાભની માંગણી નથી પરંતુ માનવ ગૌરવ અને સામાજિક ન્યાય સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.

તેમણે ઉમેર્યું હતું કે વહીવટી તંત્રએ ગામે ગામ જઈ આઝાદી પછી પણ વણઉકેલાયેલા રહેલા આવા પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવું જ જોઈએ. પ્રશાસને ધરમપુર અને કપરાડાના ડુંગરાળ આદિવાસી વિસ્તારો સાથેનું ઓરમાયું વર્તન હવે તાત્કાલિક ધોરણે બંધ કરવું જોઈએ.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here