અમદાવાદ: હજારો લોકો બોગસ જાતિ પ્રમાણપત્ર મેળવીને આદિવાસી સમાજના હક અને અધિકારો છીનવી રહ્યા છે ત્યારે આ ગંભીર બાબતે કડક કાર્યવાહી કરવી એ સરકારની નૈતિક અને કાનૂની ફરજ છે, તેમ સમસ્ત આદિવાસી સમાજના યુવા આગેવાન ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા અને ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું છે.

ડૉ. પ્રદીપભાઈ ગરાસિયાએ સમાજની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એકતરફ આદિવાસી સમાજના હક-અધિકારો છીનવાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ આજનું યુવાધન દારૂ, ચરસ, અફીણ જેવા વ્યસનો અને મનોરંજનમાં પોતાનો કિંમતી સમય વેડફી રહ્યું છે. તેમણે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, વર્ષ 2018 અને 2020 ના કાયદાઓનો અમલ થતો નથી તેમજ 2020 માં ‘RBC હટાવો’ આંદોલન સમયે થયેલી સમાધાનની શરતોનું પણ પાલન કરવામાં આવી રહ્યું નથી. જો આદિવાસી સમાજ અત્યારે નહીં જાગે, તો ભવિષ્યમાં આવા બોગસ પ્રમાણપત્રધારકો એટલા શક્તિશાળી બની જશે કે સાચા આદિવાસીઓએ પોતાના હક માટે રસ્તે રઝળવાનો વારો આવશે.

મીડિયા સાથેની વાતચીતમાં આદિવાસી યુવા આગેવાન ડૉ. નિરવ ભુલાભાઈ પટેલે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં લાવતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના વાંકનેર તાલુકાના વસુંધરા ગામના રેવાભાઈ સરસૈયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (OBC) નું પ્રમાણપત્ર ધરાવે છે. તેમના પરિવારમાં એક ભાઈ હરેશભાઈ OBC પ્રમાણપત્રના આધારે રેવન્યુ વિભાગમાં સેવા આપે છે, જ્યારે બીજો સગો ભાઈ નવઘણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં નોકરી કરી રહ્યો છે. નવાઈની વાત એ છે કે નવઘણે તારીખ 3/6/2025 ના રોજ વાંકનેર તાલુકા પંચાયતમાંથી પણ OBC નું પ્રમાણપત્ર મેળવેલું છે.

આદિવાસી સમાજના લોકોમાં ભારે અસંતોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. એકતરફ સાચા આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ (ST) નું પ્રમાણપત્ર મેળવવા માટે સરકારી કચેરીઓના અનેક ધક્કા ખાવા પડે છે, તો બીજી તરફ બોગસ પ્રમાણપત્રો આધારે લાભ ખાટી જતા ઠગ લોકોને સરકાર છાવરી રહી હોવાનો ગંભીર આક્ષેપ આદિવાસી આગેવાનો દ્વારા કરવામાં આવ્યો છે. આવા બોગસ પ્રમાણપત્રોના આધારે ગેરરીતિ આચરનારાઓ સામે રાજ્યના આદિજાતિ મંત્રી, તમામ આદિવાસી ધારાસભ્યો અને પાંચેય સાંસદો અવાજ ઉઠાવીને યોગ્ય સજા અપાવશે કે કેમ, તે હવે જોવું રહ્યું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here