સમસ્તીપુર: તાજેતરમાં સમસ્તીપુર ખાતેથી પસાર થતી એક ટ્રેનના AC First Class કોચમાંથી આશરે ૭૫ લીટર ગેરકાયદેસર દારૂ સાથે નેહા કુમારી અને ઈશાન કુમાર નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. બિહાર જેવા શરાબબંધી ધરાવતા રાજ્યમાં આટલી મોટી માત્રામાં ટ્રેનમાંથી દારૂ મળી આવવો એ એક અત્યંત ગંભીર ગુનો અને તપાસનો વિષય છે. પરંતુ, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર જે ચર્ચા શરૂ થઈ છે તેણે સમાજ અને નેટીઝન્સની માનસિકતા પર અનેક સવાલો ઊભા કર્યા છે.
ગુનાના મુદ્દાઓ બાજુ પર, ચર્ચા માત્ર ચહેરાની ! ધરપકડના અહેવાલો બહાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મુખ્ય તપાસ અને ગુનાની ગંભીરતાને બદલે યુવતીના દેખાવ પર સૌથી વધુ વાયરલ ચર્ચાઓ જોવા મળી રહી છે. “નેહા ખૂબ સુંદર છે”, “મોડલ જેવી લાગે છે” કે “આવી સુંદર યુવતી દારૂની હેરાફેરીમાં કેવી રીતે હોઈ શકે?” જેવી ટિપ્પણીઓનો પૂરો દોર ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિ સોશિયલ મીડિયાની બેવડી માનસિકતા સ્પષ્ટપણે છતી કરે છે. જો આ જ સ્થાન પર કોઈ પુરુષ આરોપી હોત, તો ચર્ચાનો વિષય સીધો દારૂની તસ્કરી, કાયદાના ઉલ્લંઘન અને પોલીસ કારવાઈ પર હોત. પરંતુ આરોપી યુવતી સુંદર હોવાના કારણે મૂળ ગુનો અને ઘટનાની ગંભીરતા પાછળ ધકેલાઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ગ્લેમરના પ્રભાવ વચ્ચે કેટલાક મહત્વના પ્રશ્નો ગુમ થઈ રહ્યા છે: આટલી મોટી માત્રામાં (૭૫ લીટર) દારૂ ક્યાંથી આવ્યો ? AC First Class જેવા સુરક્ષિત ગણાતા કોચ સુધી દારૂ પહોંચાડવામાં કોની સંડોવણી છે ? આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો અને આની પાછળ કોઈ મોટું આંતરરાજ્ય તસ્કરી નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ?
કાયદો પુરાવાથી ચાલે છે, ચહેરાથી નહીં કોઈ વ્યક્તિનો ચહેરો કેવો છે તે સોશિયલ મીડિયા માટે ચર્ચાનો વિષય બની શકે છે, પરંતુ ન્યાયપ્રણાલી અને કોર્ટ માટે માત્ર પુરાવા જ સર્વોપરી હોય છે. સુંદર ચહેરો ન તો કોઈને નિર્દોષ સાબિત કરી શકે છે, ન તો કાયદાની પ્રક્રિયામાંથી છૂટછાટ અપાવી શકે છે. ગુનો એ ગુનો છે અને તેનો નિર્ણય સોશિયલ મીડિયાના ‘લાઈક્સ’ કે ‘કમેન્ટ્સ’થી નહીં પરંતુ અદાલતમાં રજૂ થતા પુરાવાઓના આધારે જ થશે.











