ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના શેરીમાળ ગામના વતની અને આદર્શ પિતા વલ્લભભાઈ નારણભાઈ ગરાસિયાના સંસ્કારી પરિવારમાં જન્મેલા કેતનકુમાર ગરાસિયા આજે સમાજ માટે પ્રેરણાસ્રોત બની રહ્યા છે. પિતા પોતે શિક્ષક હોવાથી બાળપણથી જ સેવાની સરવાણી અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન પરિવારમાં થતાં, આજે તેમનાં ત્રણેય દીકરા-દીકરીઓ શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાય સાથે જોડાઈને સમાજસેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યા છે.
સરકારી શાળામાં જ પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરનાર કેતનકુમારે પોતાના શિક્ષક તરીકેના સફરની શરૂઆત આવધા ગદિયાપાડા પ્રાથમિક શાળાથી કરી હતી. આવધા જેવા ગ્રામીણ વિસ્તારમાં મર્યાદિત સુવિધાઓ હોવા છતાં, તેમણે બાળકોના સર્વાંગી વિકાસને હંમેશાં કેન્દ્રમાં રાખ્યો છે. આદિવાસી સમાજના અનાથ અને નિરાધાર બાળકોને શિક્ષણથી વંચિત ન રહેવું પડે તે માટે તેમણે સ્વખર્ચે દફતર, નોટબુક અને યુનિફોર્મ જેવી સામગ્રીઓ પૂરી પાડી છે. શિક્ષણ ક્ષેત્રની વિવિધ તાલીમો અને સરકારી કાર્યક્રમોમાં પણ તેઓ હંમેશાં અગ્રેસર રહે છે.
કોરોના મહામારી હોય કે પૂર જેવી કુદરતી આફત, કેતનકુમાર હંમેશાં પીડિતોની વહારે આવ્યા છે. પૂર રાહત કામગીરી દરમિયાન તેમણે આહવા-ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારોમાં રૂબરૂ જઈને જરૂરિયાતમંદ પરિવારોને સ્વખર્ચે અનાજ, કપડાં અને તાડપત્રી સહિતની જીવનજરૂરી સામગ્રીઓ પહોંચાડી હતી. આ ઉપરાંત, સામાજિક ક્ષેત્રે ‘રેઈન્બો વોરિયર્સ ગ્રુપ’ સાથે જોડાઈને તેમણે અત્યાર સુધીમાં ૪૬ વખત રક્તદાન કરી માનવજીવન બચાવવાનું ઉમદા કાર્ય કર્યું છે.
શિક્ષક તરીકેની 28 વર્ષની સફળ કારકિર્દી દરમિયાન તેમણે શિક્ષકોના હકો અને પ્રશ્નોને વાચા આપવાનું મહત્વનું કાર્ય કર્યું છે: વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘમાં કારોબારી સભ્ય તરીકે સેવા, ધરમપુર તાલુકા શિક્ષક સંઘમાં મહામંત્રી તરીકે નેતૃત્વ, ધરમપુર તાલુકા શિક્ષક સંઘમાં પ્રમુખ તરીકે સેવા. હાલમાં પણ તેઓ આદિવાસી સમાજના ઉત્થાન અને બાળવિકાસના શુભ આશયથી ‘ઢોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ’માં ટ્રસ્ટી તરીકે અને ‘ધરમપુર સેવા મંડળ’માં સક્રિય સભ્ય તરીકે નિઃસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે.
પોતાની આ 28 વર્ષની સેવાયાત્રા અંગે કેતનકુમાર જણાવે છે કે મારી આ નિ:સ્વાર્થ સેવાકીય સફરમાં મારા અર્ધાગની નલિનીબેન ગરાસિયા તેમજ મારા સમગ્ર પરિવારનો ખુબ જ મોટો સાથ અને સહકાર રહ્યો છે. શિક્ષણ સાથે સેવાનો દિવ્ય સમન્વય સાધનાર આ શિક્ષક પરિવાર આજે સમગ્ર ધરમપુર તાલુકા અને વલસાડ જિલ્લા માટે ગૌરવરૂપ બન્યો છે.











