સેલવાસ: આદિવાસી સમાજની જીવનશૈલી, પૂજા પદ્ધતિઓ અને માન્યતાઓ પાછળ કોઈ આડંબર નથી, પરંતુ પ્રકૃતિ સાથેનો અજોડ આત્મીય સંબંધ છે. જ્યારે આપણે આ પરંપરાઓને ઊંડાણપૂર્વક સમજીએ છીએ, ત્યારે જણાય છે કે તેમાં આધુનિક પર્યાવરણ વિજ્ઞાનનો પાયો સદીઓ પહેલાંથી જ વણાયેલો છે.

​બરમ દેવ, ડુંગર દેવ કે કણસરી દેવી જેવાં દેવ-દેવીઓની પૂજા વાસ્તવમાં પ્રકૃતિ રક્ષણનું એક સબળ માધ્યમ છે. વૃક્ષો, નદીઓ, પશુઓ અને જમીન પ્રત્યે આદર વ્યક્ત કરવો એ આદિવાસી સંસ્કૃતિનો મુખ્ય આત્મા છે. ઉદાહરણ તરીકે, ખેતરમાં નવો પાક લેતાં પહેલાં કે દેવનું સ્થાન બદલતાં પહેલાં વિધિવત પરવાનગી માગવી એ માત્ર વિધિ નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા અને નમ્રતા દર્શાવે છે. આ ભાવના મનુષ્યને અહંકારી બનતાં રોકે છે અને પર્યાવરણ સાથે સંતુલન જાળવવાનું શીખવે છે.

​નિઃસંદેહ, સમાજમાંથી શોષણ કે શારીરિક-માનસિક નુકસાન પહોંચાડતી વાસ્તવિક કુરીતિઓ દૂર થવી જ જોઈએ, પરંતુ પવિત્ર લોકસંસ્કૃતિ અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જરૂરી છે. આદિવાસીઓની સમૂહ ભાવના, જંગલોને સાચવવાની પરંપરાગત રીતો અને જડીબુટ્ટીઓનું ઔષધિય જ્ઞાન અજોડ છે. તેને ‘અજ્ઞાનતા’ ગણીને ફગાવી દેવાથી આપણો જ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો નષ્ટ થઈ જાય છે.

​આધુનિક સમાજે આદિવાસી પરંપરાઓને નિકૃષ્ટ ગણવાને બદલે તેમની પાસેથી સહઅસ્તિત્વ અને પ્રકૃતિ સંરક્ષણનું સાચું મૂલ્ય શીખવાની જરૂર છે. પ્રકૃતિને ઈશ્વર માનીને પૂજવાની તેમની આ પવિત્ર શ્રદ્ધા સંપૂર્ણ આદરને પાત્ર છે.આદિવાસી પરંપરા અને સાંસ્કૃતિક વારસાને કેવળ ‘અંધશ્રદ્ધા’નું લેબલ લગાવીને નજરઅંદાજ કરી દેવો એ અન્યાયી અને અપરિપક્વ વિચારસરણી છે.

BY: મુકેશ પટેલ 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here